હળવદના સુખપુર ખાતે રાસાયણિક ખાતર માટે રેલવેનો રેક પોઇન્ટ કાર્યરતહળવદ : હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ નવા વર્ષ પૂર્વે જ મોરબી જિલ્લાના ખેડૂતોને મહત્વની ભેટ આપી છે, મોરબી જિલ્લાના રાસાયણિક ખાતરનો વિપુલ વપરાશ થઈ રહ્યો છે ત્યારે અત્યાર સુધી રાજકોટ કે સુરેન્દ્રનગરથી આવતા રસાયણિક ખાતર ઉતારવા માટે હવે હળવદ તાલુકાના સુખપુર ખાતે જીએનએફસી દ્વારા રેલવે રેક પોઇન્ટ આપવામાં આવતા હવે મોરબી જિલ્લો ખાતર માટે સ્વનિર્ભર બનશે.સિરામિક હબ મોરબી જિલ્લો ખેતીમાં પણ સમૃદ્ધ છે ત્યારે અત્યાર સુધી ખેડૂતો માટે રાસાયણિક ખાતર રાજકોટ અથવા સુરેન્દ્રનગર રેલવે રેક પોઇન્ટ ખાતેથી આવતું હોય ખેડૂતોને સમયસર ખાતર મળવા સામે પ્રશ્નાર્થ ઉભા થતા હોય હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના પ્રયત્નોથી મોરબી જિલ્લાને ખાતરનો રેલવે રેક પોઇન્ટ મળ્યો છે. ત્યારે આજરોજ હળવદ આવેલા ગુજરાત નર્મદા ફર્ટિલાઈઝર કંપનીના માર્કેટિંગ મેનેજર જી.કે.પટેલે મોરબી જિલ્લાના ખેડૂતોને ખુશખબર આપતી જાહેરાત કરતા જણાવ્યું હતું કે મોરબી ઉપરાંત સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના ખેડૂતોને હવે સહેલાઈથી ખાતર મળી શકે તે માટે હળવદ તાલુકાના સુખપુર ખાતે જીએનએફસીનો રેક પોઇન્ટ ફાળવવામાં આવ્યો છે.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, મોરબી જિલ્લામાં રસાયણિક ખાતરનો વિપુલ વપરાશ થાય છે, તેમાં પણ ખાસ કરીને સમૃદ્ધ ખેતી ધરાવતા હળવદ તાલુકામાં ખેડૂતો ખાતરનો વધુ વપરાશ કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં જ ખાતર માટે રેલવે રેક ફાળવવામાં આવતા ખેડૂતોને ખાતર સરળતાથી ઉપલબ્ધ થવાની સાથે કિંમતમાં પણ રાહત થશે. મોરબી જિલ્લાના ખેડૂતો માટે ધારાસભ્ય પ્રકાશ વરમોરાના પ્રયાસોથી રેક પોઇન્ટ મળતા ખેડૂત આગેવાનોએ શુભકામનાઓ સાથે ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.