સ્કૂલો, રેલવે સ્ટેશન અને ટ્રેડ સેન્ટર આવેલું હોય અનેક લોકોને ખરાબ રોડથી પડતી હાલાકીમોરબી : મોરબીના હાર્દ સમા અને શહેરના મુખ્ય વિસ્તાર ગણાતા વીસી હાઇસ્કુલ પાછળ આવેલો રોડ છેલ્લા ચાર વર્ષથી ખખડધજ હાલતમાં છે. આ રોડ ઉપર સ્કૂલો, રેલવે સ્ટેશન અને ટ્રેડ સેન્ટર આવેલું હોય અનેક લોકોને ખરાબ રોડથી હાલાકી ભોગવવી પડે છે. આથી આ રોડના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા પાલિકા તંત્રને રજુઆત કરાઈ છે.મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે કે, મોરબી શહેરની બજારોમાં જવા માટે મુખ્ય ગણાતા વિસ્તાર વીસી હાઇસ્કુલ પાછળ આવેલો રોડ છેલ્લા ચાર વર્ષથી એકદમ ભંગાર હાલતમાં છે. આ રોડ રેલવે સ્ટેશનને જોડતો હોય તેમજ બાજુમાં ગર્લ્સ સ્કૂલમાં દરરોજ 3 હજાર વિદ્યાર્થીનિઓ અવરજવર કરતી હોય તેમજ ટ્રેડ સેન્ટરમાં 150 ઓફિસો આવેલી હોય અનેક લોકોને આ ખરાબ રોડથી ભારે મુશ્કેલી પડે છે. જો કે નગરપાલિકા તંત્રએ આ રોડને થોડો ખોદી નાખ્યા બાદ રોડ બનાવવાની કોઈ કામગીરી ન થતા આ રોડની ભયજનક હાલત થઈ ગઈ છે. ખાસ કરીને ચોમાસામાં આ રોડની ખૂબ જ બદતર હાલત થઈ જતી હોવાથી આ રોડ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.