મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રામકુવા પાસે એક ટેન્કર ગાંડુ થયું હોય તેમ રોડની સાઈડમાં બંધ પડેલા આઇસર ટ્રકના ઠાઠામા ભટકાઈ બે મોટર સાયકલને પણ ઝપટે લઈ ત્રણ વ્યક્તિને ઘાયલ કરી દેતા ટેન્કર ચાલક સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - વાંકાનેર હાઇવે ઉપર રામકુવા પાસે જીજે - 03 - at - 4926 નંબરનું આઇસર બંધ પડતા આઇસર ચાલક સાબિરભાઈ સલીમભાઈ ચાનીયા અને અન્ય લોકો આઇસર રીપેર કરતા હતા આ વેળાએ જીજે - 12 - bt - 7650 નંબરના ટેન્કર ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી આઇસરના ઠાઠામા ટેન્કર આથડાવી બાજુમાં પડેલા બે બાઇકને પણ ઝપટે ચડાવ્યા હતા.વધુમા આ વિચિત્ર અકસ્માતમાં આઇસર ટ્રક તેમજ બાઇકમાં નુકશાન થયું હતું અને ફરિયાદી સાબિરભાઈ તેમજ સાહેબ દાનાભાઈ અને શુભમભાઈને ઇજાઓ પહોંચતા ટેન્કર ચાલક માયારામ રામગતિભાઈ વર્મા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.