તા. 25 ડિસેમ્બર : ભારતના ૧૦માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી એટલે કે સુશાસન દિવસવાજપેયી વિવિધ સામાન્ય ચૂંટણીમાં અલગ-અલગ ચાર રાજ્યોમાંથી ચૂંટાનારા એકમાત્ર સંસદસભ્ય હતામોરબી : હર 25 ડિસેમ્બર કો જીને કી નઈ સીડીયાં ચઢતા હું, નયે મોડ પર ઔરો સે કમ, સ્વયં સે જ્યાદા લડતા હું સ્વ. અટલ બિહારી વાજપેયી એ પોતાના જન્મદિવસ માટે લખેલી પંક્તિ છે. આજ રોજ ૨૫ ડિસેમ્બર એટલે કે તેમનો જન્મદિવસ છે, જે દેશમાં સુશાસન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૨૪ રોજ થયો હતો. તેઓ ભારતના રાજનેતા અને કવિ હતા. તેમણે પ્રજાસત્તાક ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ - ૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ દરમિયાન સેવા આપી હતી.અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ હવે, લક્ષ્મીબાઇ કોલેજમાંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. વિવિધ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો - ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાંથી ચૂંટાનારા તેઓ એકમાત્ર સંસદ સભ્ય હતા. ૧૯૬૯-૧૯૭૨ દરમિયાન વાજપેયી ભારતીય જન સંઘ હવે ભારતીય જનતા પક્ષના પ્રમુખ રહ્યાં હતા.તેઓને ઇ.સ. ૧૯૯૨માં પદ્મવિભૂષણ, ઇ.સ. ૧૯૯૩માં કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી, ઇ.સ. ૧૯૯૪માં લોકમાન્ય તિલક ખિતાબ, ઇ.સ. ૧૯૯૪માં શ્રેષ્ઠ સંસદસભ્ય, ઇ.સ. ૧૯૯૪માં ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ અને ઇ.સ. ૨૦૧૫માં ભારતરત્ન તરીકે નવાજવામાં આવ્યા હતા. તેમનું અવસાન ૧૬ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ થયું હતું.