ગઈકાલે ચક્કાજામ કરવા છતાં પાણી ન આવતા આજે રહીશોએ ડીડીઓને રજુઆત કરતા હાલ તુરંત ટેન્કર ચાલુ કરી દેવાની ખાતરી આપીમોરબી : મોરબીના પીપળી ગામે આવેલી સોસાયટીઓમાં એક વર્ષથી પાણીની ભારે હાડમારી ભોગવતા રહીશોએ ગઈકાલે ધીરજ ગુમાવીને રોજરોજની પાણીની હૈયાહોળીથી કંટાળીને નીભર તંત્રને ઢંઢોળવા ચક્કાજામ કર્યા બાદ પણ પાણી ન આવતા આજે આ રહીશોનું ટોળું ડીડીઓ કચેરીએ દોડી જઈને તેમની સમક્ષ પાણીના અભાવે પડતી વ્યથાની રજુઆત કરી હતી. આથી ડીડીઓએ હાલ તુરત તેમની સોસાયટીમાં ટેન્કર ચાલુ કરવાની ખાતરી આપી હતી.મોરબી નજીક પીપળી જેતપર રોડ ઉપર પીપળી ગામથી આગળ આવેલી મારુતિપાર્ક સોસાયટીમાં આશરે 155 મકાનોમાં રહેતા લોકોએ એક વર્ષથી પાણી ન આવતું હોવાની હૈયાવરાળ સાથે ગઈકાલે રોડ ઉપર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. આમ છતાં પણ પાણી ન આવતા આ સોસાયટીના રહીશો આજે ડીડીઓ કચેરીમાં દોડી ગયા હતા અને ડીડીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં અગાઉ નિયમિત પાણી આવતું હોય પણ જેતપર રોડ ઉપર ફોરલેન માટે ખોદકામ કરતા છેલ્લા એક વર્ષથી પાણી વિના રીતસર વલખા મારવા પડે છે. આ સોસાયટીમાં મોટાભાગના લોકો શ્રમિક હોય અને આખો દિવસ મજુરી કર્યા બાદ ઘરે આવીને પાણી માટે ભારે સંઘર્ષ કરવો પડે છે અને શ્રમિકો હોવા છતાં મજબૂરીને કારણે મોંઘા ભાવના ટેન્કરો મંગાવીને પાણીની જરૂરિયાત પૂરી કરવી પડે છે. પાણી માટે ભારે યાતના ભોગવવી પડતી હોવાની રજુઆતને અંતે ડીડીઓ ડી.ડી. જાડેજાએ હાલના તબક્કે તેમની સોસાયટીમાં ટેન્કર ચાલુ કરાવી દેવાનું જણાવ્યું હતું અને આ પાણી પ્રશ્નનો કાયમી ઉકેલ ઝડપથી લઈ આવવા માટે હૈયાધારણા આપી હતી.