અગાઉ ભયાનક આગમાં મેનેજર અને ટેક્નિશયન જીવતા ભુંજાયા બાદ સારવારમાં રહેલા વધુ એકનું મોત થતા કુલ મૃત્યુઆંક ત્રણ થયોમોરબી : મોરબીના બગથળા ગામ પાસે આવેલી રેકજીન બનાવતી ફેકટરીમાં ગત 12 ડિસેમ્બરે સાંજે ભયાનક આગની દુર્ઘટનામાં સ્થળ ઉપર મેનેજર અને ટેક્નિશયન સ્થળ ઉપર ભડથું થઈ ગયા હતા. જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે દાઝી જતા તેને રાજકોટ ખસેડાયા બાદ આજે તેનું પણ મોત થતા આ દુર્ઘટનામાં ત્રણ મૃત્યુઆંક થયો છે.મોરબીના બગથળા ગામે આવેલી રેકજીન બનાવતી ઇવા સિન્થેટિક એલ.એલ.પી. નામની ફેકટરીમાં ગત તા.12/12ના રોજ સાંજે ભયાનક આગની દુર્ઘટના સર્જાતા સ્થળ ઉપર જ ફેકટરીના મેનેજર વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (ઉ.વ. 40), ટેક્નિશયન હિતેશ મનસુખભાઇ ડેડકીયા (ઉ વ. 37) સ્થળ પર ભડથું થઈ જતા બન્નેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા (ઉ વ.50) પણ ગંભીર રીતે દાઝી જતા તેને રાજકોટ સારવાર અર્થે ખસેડાયા બાદ સારવાર કારગત ન નિવડતા આજે તેનું પણ મોત થયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનાના દિવસે ફેકટરીનું બોઇલર ફાટવાથી આ દુર્ઘટના થઈ હોવાની વાત વહેતી થઈ હતી. પણ મોરબી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા આ ગંભીર બનાવ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી બોઇલર નહિ પરંતુ થર્મોપેક યુનિટ ફાટ્યું હોવાનો ખુલાસો કર્યો હતો અને ઓઈલને ગરમ કરવા માટેનું થર્મોપેક ફાટવાના કારણે આગ ભભૂકી ઉઠતા આ દુર્ઘટના સર્જાય હોવાનું જણાવ્યું હતું.