સરા સહિતના વિસ્તારોમાંથી ૨૭ લાખ અને હળવદ શહેરમાંથી રૂ.૧૩ લાખની વીજચોરી પકડાઈહળવદ : હળવદ અને સરા સહિતના વિસ્તારોને પીજીવીસીએલએ બે દિવસ ધમરોળી વીજ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરી હતી. આ ડ્રાઇવમાં રૂ.૪૦ લાખની વીજ ચોરી પકડાઈ છે. વીજ ચોરી કરનાર તમામ કનેક્શનધારકો સામે પીજીવીસીએલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પીજીવીસીએલ હળવદ ડિવિઝનના તાબા હેઠળ આવતા સરા સબ ડિવિઝનમાં ૩૧ ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઘરવપરાશના ૧૯, વાણિજ્ય -૦૨, ખેતીવાડીમાં - ૦૯ મળી કુલ ૩૦ કનેક્શનોમાં વીજચોરી પકડાઈ હતી. આ સાથે વેલાળા ગામે રેતીના પ્લાન્ટમાં વીજચોરી પકડાઈ હતી. આ કનેક્શન ધારકોને રૂ. ૨૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ ઉપરાંત હળવદ સિટી તથા ચરાડવા ખેતીવાડી સબ ડિવિઝનમાં ચેકીંગની કુલ ૧૪ ટીમો હતી. જેમાં ઘરવપરાશના ૧૧, વાણિજ્ય -૦૧, ખેતીવાડીમાં - ૦૪ મળી ૧૪ વીજ જોડાણોમાં ચોરી પકડાઈ હતી. તેમાં હળવદ સિટીમાં મહાવીરપાર્ક, ધરતીનગર, કુંભારપરા, ખરાવાડ, તેમજ જુદી જુદી સોસાયટી વિસ્તારમાં જુદી જુદી ટુકડીઓ બનાવી વીજ ચેકીંગ કરતા કુલ ૧૧.૨૬ લાખની વીજ ચોરી પકડાઈ છે તથા ચરાડવા ખેતીવાડી વિસ્તારમાં વીજ ચેકીંગ કરતા કુલ ૦૪ વીજ જોડાણો વીજચોરી પકડાઈ હતી તેમાં ૨.૦૫ લાખની વીજચોરી પકડાઈ છે.