રાજસ્થાનના હોટેલ સંચાલક પાસેથી પોતે નશો કરવા મ્યાઉં-મ્યાઉં ડ્રગ્સ ખરીદ કર્યાની કબૂલાત : પોલીસે ક્રેટા કાર સહીત 14,87,220નો મુદામાલ કબ્જે કર્યો મોરબી : ઉડતા પંજાબની જેમ ઉડતા મોરબી જેવી સ્થિતિમાં યુવાધન નશામાં ગરક થઈ રહ્યું છે ત્યારે દારૂ, ગાંજો, અફીણ બાદ મોરબીના યુવાનો એમડી એટલે કે મ્યાઉં-મ્યાઉં ડ્રગ્સના રવાડે ચડયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજસ્થાનથી પોતાની જાતે નશો કરવા 40.5 ગ્રામ એમડી ડ્રગ્સ લઈને આવી રહેલા મોરબીના બે યુવાનોને બનાસકાંઠા જિલ્લાની થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ ખાતેથી વહેલી સવારે ઝડપી લઈ એનડીપીએસ એક્ટ મુજબ બન્ને યુવાનોની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત - રાજસ્થાનને જોડતી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની ખોડા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં રહેલ થરાદ પોલીસ મથકના પીએસઆઇ સી.પી.ચૌધરી સહિતની ટીમે ગઈકાલે વહેલી સવારે પસાર થઈ રહેલી જીજે-36-એસી-3531નંબરની હ્યુન્ડાઇ ક્રેટા કારને અટકાવી તલાસી લેતા કારમાં બેઠેલા મોરબીના નવા બસસ્ટેન્ડ સામે શ્રીજી પાર્કમાં રહેતા આરોપી હાર્દિકભાઈ ઠાકરશીભાઈ મોરડીયા અને અવની ચોકડી પાસે અંબે પાર્કમાં રહેતા આરોપી રવિભાઈ દુર્લભજીભાઈ ચારોલા નામના યુવાનના કબ્જામાંથી 40.5 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા થરાદ પોલીસે બન્ને આરોપીઓની અટકાયત કરી 4.05 લાખનું એમડી ડ્રગ્સ, રૂપિયા 30 હજારની કિંમતના બે મોબાઈલ ફોન, 10 લાખની કિંમતની ક્રેટા કાર અને 2200 રૂપિયા રોકડા મળી 14,87,220નો મુદામાલ કબ્જે કર્યો હતો.વધુમાં થરાદ પોલીસના હાથે ઝડપાયેલા આરોપી હાર્દિકભાઈ ઠાકરશીભાઈ મોરડીયા અને આરોપી રવિભાઈ દુર્લભજીભાઈ ચારોલાએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બન્ને શખ્સોએ પોતાના નશા માટે રાજસ્થાનમાંથી કોઈ હોટલ સંચાલક પાસેથી આ મ્યાઉં -મ્યાઉં એટલે કે એમડી ડ્રગ્સનો જથ્થો ખરીદ કર્યો હોવાની કબૂલાત આપી હતી. હાલમાં થરાદ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી એમડી ડ્રગ્સના મૂળ સુધી પહોંચવા બન્નેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.