મોરબી : 17 ડિસેમ્બરના રોજ મોરબી જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘનું “પાંચમું શૈક્ષણિક અધિવેશન” યોજાયું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી 103 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ(દાઢી) અને મહામંત્રી સુનીલભાઈ જોશી તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સર્વધર્મ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી જિલ્લા ઘટક સંઘના પ્રમુખ અને મંત્રીઓ હાજર રહ્યા હતા. આ તકે મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રમુખ ભગવાનભાઈ કુંભરવાડિયાએ કર્યું હતું. જેમાં નિવૃત થયેલા કર્મચારીઓને શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી નિવૃત્તિકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ કર્મચારીને શાલ, પુષ્પગુચ્છ, અને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ મહેમાનો દ્વારા ધોરણ. 10 અને 12 મા ઉચ્ચ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના યજમાન દાતા અજયભાઈ લોરિયા તેમજ કેમ્પસના ચેરમેન કે.આર.પડસુંબિયાનું પણ શિલ્ડ અને મોમેન્ટો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી.અંબારિયાએ શિક્ષણની નવી તરહો અને પ્રવાહો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. ત્યારબાદ વહીવટી માર્ગદર્શન જયંતભાઈ ગડારા દ્વારા આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ (દાઢી) દ્વારા શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે પ્રવચન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન પિનાઝબેન ગાહાએ કર્યું હતુ. અંતે કાર્યક્રમની આભારવિધિ મોરબીના મહામંત્રી વિશાલભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવી હતી. જેમાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બાબુભાઈ પીઠીયા, મહેન્દ્રભાઈ કચોટ, વી.વી. ચોપડા, વિનોદભાઈ કૈલા તેમજ ચંદ્રેશભાઈ અગ્રાવત તેમજ સમગ્ર ટીમે ખુબ સહયોગ આપ્યો હતો.