રામપરાની વિડીમાં નાના મોટા 20 ડાલામથ્થાને આપવામાં આવતા ખોરાકમાં પણ વધારો કરાયોમોરબી : છેલ્લા બે પાંચ દિવસથી ઠંડીનો ચમકારો વધતા વાંકાનેર નજીક રામપરા વિડી ખાતે આવેલ સિંહ સંવર્ધન કેન્દ્ર એટલે કે જિનપુલમા ડાલામથ્થા સાવજોની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે, ઠંડીને પગલે વનવિભાગે સિંહના રહેઠાણમા રૂમ હિટર કાર્યરત કર્યા છે.વાંકાનેર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નરોડીયાના જણાવ્યા મુજબ વાંકાનેર તાલુકાના રામપરા વિડી ખાતે આવેલ જિનપુલમા સાવજોના વસવાટ બાદ દરેક ઋતુમાં સિંહોની વિશેષ કાળજી લેવામાં આવે છે, જેમાં છેલ્લા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધતા રાત્રી દરમિયાન સિંહ જ્યા રહે છે તેવી જગ્યામાં રૂમ હિટર ચાલુ કરવામાં આવી રહ્યા છે, સાથે જ અહીં વસવાટ કરતા કુલ 20 જેટલા નાના મોટા ડાલામથ્થા સાવજોના ખોરાકમા પણ સિઝનને અનુરૂપ વધારો કરવામાં આવ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.