એસટી નિગમ અને મુસાફરોને નુકસાન થતું હોવાની પી.પી.જોષીની રજૂઆતમોરબી : કડી ડેપોની મોરબી સુધી આવતી લોકલ બસને છેલ્લા દસ દિવસથી એક્સપ્રેસ બસમાં ફેરવીને જામનગર સુધી લંબાવતા સલાહકાર અન અને નાગરિક પુરવઠા (પૂર્વ) પી.પી. જોશીએ એસટી નિગમના મુખ્ય પરિવહન અધિકારીને આ અંગે રજૂઆત કરી છે અને કડી-મોરબી બસને લોકલ જ ચાલુ રાખવા જણાવ્યું છે.પી.પી. જોષીએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, કડી-મોરબી બસ જે લોકલ ચાલતી હતી તેને એક્સપ્રેસ કરીને જામનગર સુધી લંબાવવામાં આવી છે. જેના કારણે મોરબી થી કડી સુધીના 20 જેટલા ગામડાને એસટી બસનો લાભ મળતો બંધ થયો છે. કડી તરફના અનેક કારીગરો મોરબી ખાતે ટાઇલ્સના કારખાનામાં કામ કરે છે. તેઓને પણ આ બસ એક્સપ્રેસ થતાં લાભ મળતો બંધ થયો છે. આ ઉપરાંત બસ જામનગર સુધી લંબાવતા એસટી નિગમની આવકમાં પણ ઘટાડો થયો છે. મોરબી થી હળવદ સુધીમાં બસનું એક જ સ્ટોપ આપેલું હોવાથી મુસાફરો આ બસનો લાભ લઈ શકતા નથી. તેથી આ બસ એક્સપ્રેસ કરવામાં આવતા એસ.ટી. નિગમ અને મુસાફરોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આ બસને ફરીથી કડી-મોરબી વચ્ચે લોકલ જ ચાલુ રાખવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે અને જો આ અંગે કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવવામાં આવ્યું છે.