ઉભરાતી ગટરો, ખરાબ રોડ રસ્તાઓ, આખલાઓના ત્રાસને કારણે સ્થાનિક લોકોને ભારે હાડમારીમોરબી : મોરબી શહેરનાં રોહિદાસપરા વિસ્તારની હાલ ગટર ઉભરાવાને કારણે બદથી પણ બદતર હાલત છે અનેક રજુઆતોનો ડૂચો વાળી દેનાર તંત્રને ઢંઢોળવા માટે ફરી એકવાર રજુઆત કરીને 7 દીવસમાં ગટરની સમસ્યાનો હલ ન આવે તો રોહિદાસપરા મેઈન રોડને બંધ કરી ચક્કાજામ કરવાની ચીમકી આપવામાં આવી છે.મોરબી સીટી વિસ્તારમાં આવેલા રોહિદાસપરાના સામાજિક કાર્યકર દલસુખભાઈ ચૌહાણે નગરપાલિકા તંત્રને રજુઆત કરીને જણાવ્યું હતું કે, આશરે 25 હજાર જેવી મોટી વસ્તી ધરાવતા રોહિદાસપરા વિસ્તારની પ્રાથમિક સુવિધાઓના અભાવે નાજુક હાલત થઈ ગઈ છે. સામાન્ય વર્ગના લોકોની વસાહત ધરાવતા આ વિસ્તારમાં સમસ્યાઓનું કાયમ દુઃખ રહ્યું છે. જેમાં રોહિદાસપરા મેઈન રોડ એકદમ ખરાબ હાલતમાં છે. આ .મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હોવાથી વાહનો તો ઠીક પણ પગપાળા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. અધૂરામાં પૂરું આ રોડ ઉપર ગટરના ગંદા પાણી નદીની જેમ કાયમ વહેતા હોવાથી ભારે ગંદકી ફેલાય છે. તેમજ આ મેઈન રોડ ઉપર ઢોરોનો ત્રાસ હોવાથી ભારે મુશ્કેલી પડે છે. તેથી 7 દિવસમાં ખરાબ રોડ રસ્તાના કામો અને દબાણો દૂર કરવા તેમજ ગટર ઉભરવાની સમસ્યા નહિ હલ થાય તો રોહિદાસપરાનો મેઈન રોડ બંધ કરી ચક્કાજામ કરવાની ફરજ પડશે તેવું તેમણે જણાવ્યું છે.