મોરબી જીિલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમિશનનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને એક લોનના જામીનમાં પડેલા વ્યક્તિનું રાજકોટ નાગરિક બેન્ક દ્વારા મોર્ગેજ કરાયેલ મકાન મુક્ત કરવાનો હુકમ કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વ્રજ સિરામિક પ્રા. લી. દ્વારા રાજકોટ નાગરીક બેંક લી.મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. તેઓએ લોનની રકમ ભરપાઈ કરવા છતા તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાનું રાજકોટ સ્થિત મકાન રીલીઝ ન કરતા રમેશભાઈ ટપુભાઈ ભોરણીયા તેઓના વકીલ મયુર પી. પુજારા મારફતે મોરબી જીલ્લા ગ્રાહક તકરાર કોર્ટમાં ફરીયાદ કરતા બેંક દ્વારા એવો વાંધો લેવામાં આવેલ કે રમેશભાઈ ગંગોત્રી ગ્લેઝમાં જામીન તરીકે હોય તેઓની પ્રોપર્ટી મુકત કરી શકાય નહી.આ કેસ ચાલી જતા રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાના વકીલની દલીલ તથા રજુ કરેલ પુરાવા ધ્યાને લઈ ગ્રાહક સુરક્ષા આયોગ દ્વારા એવુ માનવામાં આવેલ કે જે મીલ્કત મોર્ગેજ કરેલ હતી. તે મીલ્કત પરની લોન ભરપાઈ થઈ જવા છતા મિલ્કત રીલીઝ ન કરવી તે ગ્રાહકનું શોષણ કહેવાય અને અયોગ્ય વેપાર નીતી કહેવાય અને તે અટકાવવી જોઈએ.જેથી મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમિશને રાજકોટ નાગરીક બેંકને એવો હુકમ કર્યો કે વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા લેવાયેલ લોનના કામે જામીન તરીકે રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાનું મોર્ગેજ કરેલ મકાન મોર્ગેજમાંથી મુક્ત કરવુ અને મુકત કર્યાનું લખાણ રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાને હુકમના ૪૫ દિવસમાં આપવુ. આ કામે ફરીયાદી રમેશભાઈ તરફે મોરબીના વકીલ મયુર પી. પુજારા રોકાયેલ હતા. તેમ તેઓની યાદીમાં જણાવાયુ છે.