મોરબીના રાજપર નજીક કેમિકલ ભરેલા ટેન્કરમાં આગની ઘટનામાં ફાયર બ્રિગેડે હૈયાવરાળ ઠાલવી : રોડ ઉપર એક છોકરીને બચાવવા જતા આ ઘટના બની હોવાનું તારણ, ડ્રાઈવર સહી સલામતમોરબી : આજરોજ સવારે મોરબીના રાજપર ગામ નજીક સિલિકેટ ભરેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો પરંતુ ફાયર સ્ટેશન પાસે સુધારા શેરીમાં અણસમજુ લોકો દ્વારા કરાતા આડેધડ પાર્કિંગને કારણે ફાયરબ્રિગેડની ટીમ સમયસર આગ બુઝાવવા માટે પહોંચી શકી ન હતી. જો કે આમ છતાં ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડ જવાનોએ આગને કાબુમાં લીધી હતી.મોરબી ફાયર બ્રિગેડના જમાદાર જયેશભાઇ ડાકીના જણાવ્યા મુજબ આજે સવારે 11 વાગ્યાની આસપાસ રાજકોટના શાપર જીઆઈડીસીમાં સિલિકેટ નામનું 20 હજાર લીટર કેમિકલ ભરીને મોરબીના આમરણ ગામે આવેલ ફર્સ્ટ કેમિકલ કંપનીમાં આપવા માટે જી.જે.03 એ.એક્સ 7374 નબરનું ટેન્કર મોરબીના રાજપર રોડ ઉપર પસાર થઈ રહ્યું હતું. ત્યારે રસ્તામાં એક દીકરીને બચાવવા જતા ડ્રાઈવરે ટેન્કર પરથી કાબુ ગુમાવતા ટેન્કર રોડ પરથી નીચે ઉતરી ગયું હતું આથી ટેન્કરની ડીઝલની ટેન્ક બ્લાસ્ટ થતા ટેન્કરમાં આગ ભડકી ઉઠી હતી.ટેન્કરમાં આગ લાગતા ટેન્કરના આગળના ટાયરો, આખી બોડી કેબિન સળગી ગઈ હતી. આથી ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને ટેન્કરમાં લાગેલી આગને બુઝાવી નાખી હતી આથી ટેન્કરમાં ભરેલું કેમિકલ અને ડ્રાઈવર સહી સલામત છે. જો કે સુધારા શેરીમાં આવેલ ફાયર બ્રિગેડને આ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે જવા નીકળ્યું હતું પણ સુધારા શેરીમાં ટ્રાફિકજામ થતા ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થયો હતો તેમ છતાં સમસસર પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી.