બે ખુટિયાઓએ ખાસ્સો સમય સુધી દંગલ મચાવી જાહેર રોડને બાનમાં લીધોમોરબી : મોરબીના સામાંકાંઠે સર્કિટ હાઉસ નજીક જાહેર રોડ ઉપર આજે બે ખુટિયાઓએ ભારે આંતક મચવ્યો હતો અને બે ખુટિયાઓએ ખાસ્સો સમય સુધી દંગલ મચાવી જાહેર રોડને બાનમાં લેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.મોરબી નગરપાલિકા તંત્રના પાપે સમયથી રઝડતા ઢોરનો ભારે ત્રાસ છે. તેમાંય થોડા સમય પહેલા નગરપાલિકા તંત્રએ રખડતા ઢોરને પકડવાની કામગીરી બંધ કરી ખુટિયાઓને રખાયેલાં સ્થળને પણ બંધ કરી પશુઓને પાંજરાપોળ મૂકી દીધા હતા. ઢોર પકડવાની કામગીરી બંધ કરાતા હવે ઘણા માર્ગો ઉપર આખલાઓનો ત્રાસ વધ્યો છે. અવારનવાર આખલાઓનું યુદ્ધ થાય છે. રોડ ઉપર બેઠેલા કે ઉભેલા ખુટિયાઓ ગમે ત્યારે યુદ્ધનું મેદાન બનાવીને જાહેર રોડને બાનમાં લઈ લેતા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાય જાય છે. આવા ઢોરોના આંતક વચ્ચે આજે મોરબીના સામાંકાંઠે સર્કિટ હાઉસ રોડને બે ખુટિયાઓએ અચાનક યુદ્ધનું મેદાન બનાવી દીધું હતું અને બન્ને ખુટિયાઓ ઘણો સમય સુધી એકબીજાના શીંગડા ભરાવીને એકબીજાને ખદેડતા હોવાથી આ જાહેર રોડ ઉપર નીકળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. આખલાઓના આવા યુદ્ધથી લોકોની સલામતી ભગવાન ભરોસે થઈ ગઈ છે.