કાંજીવરમ, બનારસી, પટોળા, ચંદેરી, બાંધણી, રેશમી સાડી સ્ત્રીઓની પ્રથમ પસંદ : બજારમાં રેડી ટુ વેર સાડીની ભરમારપુરુષો દ્વારા પણ સાડીઓનો ઉપયોગ : હિંદુ રાજાઓ સાડીમાંથી બનાવેલા ખેસ ખભા પર રાખતા તો મુઘલો બનારસી સાડીના સાફા માથા પર બાંધતામોરબી : સામાન્ય સ્ત્રીને પણ જાજરમાન બનાવતું પરિધાન એટલે સાડી. જે આજની યુવા પેઢીમાં મનપસંદ આઉટફીટ છે. સાડી જ એક એવું પરિધાન છે, જે અનેક પેઢીઓ સુધી વારસાગત રીતે આપવામાં આવે છે. વિશ્વભરમાં સાડીની અલગ છબી તરી આવે, તે હેતુથી 21 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઉજવાય છે.કહેવાય છે કે પ્રાચીન સમયમાં સાડી સંસ્કૃત શબ્દ 'સતી'ના નામે ઓળખાતી હતી ત્યારબાદ અપભ્રંશ થઈને સાદી અને હવે સાડી તરીકે ઓળખાય છે. મૌર્ય યુગ સુધી સ્ત્રીઓને સાડી પહેરતા આવડતી નહો.તી તેઓ ધોતીની જેમ વિંટાળીને પહેરતી હતી. જેના ઉદાહરણ આજે પણ અજંતા-ઈલોરાની ગુફાના ચિત્રોમાં જોવા મળે છે.ફક્ત સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ સાડીઓનો વિવિધ રીતે ઉપયોગ કરતા હતા. જેમ કે, મુઘલો બનારસ સાડીના સાફા માથા પર બાંધતા તો હિંદુ રાજાઓ રાણીઓની સાડીમાંથી બનાવેલા ખેસ પોતાના ખભા પર રાખતા હતા. પેશ્વાઓ બનારસી સાડીઓની ધોતી પહેરતા હતા. રાજપૂત રાણીઓએ શિફોનની સાડીઓને પ્રચલિત બનાવી છે. આજે પણ ઘણા એવાં ક્ષેત્રો જેવા કે, શિક્ષણ, કેર-ટેકર, એર હોસ્ટેસ, જ્વેલરી શો રુમ, હોસ્પિટલો જેમાં મહિલાઓ મોટેભાગે સાડી પહેરીને કલાકો સુધી કામ કરે છે. મહિલાઓ સાડીઓને વિવિધ રીતે પહેરીને સ્ટાઈલીશ દેખાડી શકે છે. એક સર્વે પ્રમાણે મોટાભાગના પુરુષોને સાડી પહેરેલી સ્ત્રી વધુ પસંદ પડે છે.હિન્દુ, જૈન અને બૌદ્ધ સાહિત્યના ‘સંતિકા’ શબ્દ પરથી સાડીનો વિકાસ થયો, એમ પણ માનવામાં આવે છે. સાડી ભારતીય મહિલાઓનું પરંપરાગત પરિધાન છે. સામાન્ય રીતે, તેની લંબાઇ 5.5 મીટરથી 09 મીટર હોય છે. તેને પહેરવાની અલગ-અલગ રીત છે. સાડીને ભારતીય સંસ્કૃતિના પહેરવેશના રૂૂપમાં ઓળખવામાં આવે છે. બોલિવૂડથી લઈને રાજકારણ અને સામાજિક ક્ષેત્રે પણ મહિલાઓની પ્રથમ પસંદ સાડી છે. સાડી એક માત્ર એવો પોશાક છે, જેની ગણના સૌંદર્ય અને શૃંગાર સાથે જ નહીં પરંતુ સંસ્કાર સાથે પણ કરવામાં આવે છે.સાડી પહેરવા માટેની જાત-જાતની રીતો હોય છે, હવે તો બજારમાં રેડી ટુ વેર સાડીની ભરમાર જોવા મળે છે. જે ભૌગોલિક સ્થિતિ તથા પરંપરાગત મૂલ્યો અને રુચિઓ પર નિર્ભર કરે છે. સાડીઓમાં કાંજીવરમ સાડી, બનારસી સાડી, પટોળા સાડી મુખ્ય હોય છે. મધ્યપ્રદેશની ચંદેરી, મહેશ્વરી, મધુબની છપાઈ, આસામની મૂંગા રેશમ, ઓરિસ્સાની બોમકઈ, રાજસ્થાનની બંધેજ, ગુજરાતની પટોળા, બાંધણી, બિહારની ટસર, કાથા, છત્તીસગઢની કોસા રેશમ, દિલ્હીની રેશમી સાડીઓ, ઝારખંડની કોસા રેશમ, મહારાષ્ટ્રની પૈઠણી, તમિલનાડુની કાંજીવરમ, બનારસી સાડીઓ, ઉત્તરપ્રદેશની તાંચી, જામદાની, જામવર તેમજ પશ્ચિમ બંગાળની બાલૂછરી તથા કાંથા ટંગૈલ વગેરે ભારતીય પ્રદેશોની પ્રસિદ્ધ સાડીઓ છે.