રાજકોટથી મોરબી બસમાં આવતી ખેડૂતની દીકરી સાથે પરિચય કેળવ્યા બાદ અનેકાનેક બહાને ગઠિયાએ ખેડૂત પરિવારને રીતસર લૂંટ્યો મોરબી : મોરબીમાં એક અજીબો ગરીબ કિસ્સામાં લક્ષ્મીવાસ ગામે રહેતા ખેડૂત પરિવારના પુત્રને એપલ, ગૂગલમાં નોકરી, રાજકોટમાં રેડીમેઈડ કપડાના શોરૂમમાં ભાગીદારી, મોરબીમાં સસ્તામાં ફ્લેટ આપવાના બહાને તેમજ ઇન્કમટેક્સની અને આરબીઆઇની ખોટી ધમકી અને નોટિસો આપી રાજકોટના અઠંગ ગઠિયાએ કટકે - કટકે 78.61 લાખ જેટલી માતબર રકમ પડાવી છેતરપિંડી આચરતા આ ચોંકાવનારા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી મનસુખભાઇ છગનભાઇ કાવર ઉ.54 રહે. લક્ષ્મીવાસ ગામ તા.માળીયા(મી) વાળાએ આરોપી હર્ષ દિનેશભાઇ દવે રહે રહે. બેડીનાકા પાસે સોની બજાર કરશનજી મુલચનજીવાળી શેરી, રાજકોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે વર્ષ 2023ના માર્ચ-એપ્રિલ મહિનામાં તેમની પુત્રી રાજકોટથી એસટી બસમાં બેસી મોરબી આવતી હતી ત્યારે આરોપી હર્ષ દિનેશભાઇ દવે સાથે સંપર્કમાં આવતા મોબાઈલ નંબરની આપ લે કરી હતી અને આરોપી હર્ષ પોતે મોરબીમાં જય ટેલિકોમમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી ફરિયાદી મનસુખભાઇ છગનભાઇ કાવરની પુત્રીને સસ્તામાં આઈફોન વેચતો હોવાનું કહી છેતરપિંડીની જાળ બિછાવી 35 હજારમાં આઈફોન આપી કાવર પરિવારને પોતાની ચુંગાલમાં ફસાવવાનું શરૂ કર્યું હતું.જે બાદમાં આરોપી હર્ષ દિનેશભાઇ દવેએ ફરિયાદી મનસુખભાઇ છગનભાઇ કાવરના પુત્રને એપલ અને ગુગલ જેવી કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી નાણાં પડાવ્યા હતા સાથે જ મોરબીના ફ્લોરા-11માં પોતાના અમદાવાદ ખાતે રહેતા પરિચિતનો 63 લાખનો ફ્લેટ ફક્ત 48 લાખમાં અપાવી દેવાની લાલચ આપી હતી અને ફ્લેટના ખોટા દસ્તાવેજ બનાવી તેમજ આટલી ફ્લેટ ખરીદવાની રકમ ક્યાંથી કાઢી તેવું કહી આ પ્રકરણમા ઇન્કમટેક્સની નોટિસ આવી હોવાનું કહી ખોટી નોટિસ બનાવી તેમજ આરબીઆઇની નોટિસ આવી હોવાનું અને આરબીઆઇ દ્વારા આરોપી હર્ષની ધરપકડ કરવામાં આવી હોવાનું કહી છોડાવવા માટે તેમજ વકીલ રાખવા પૈસા મોકલો તેમ કહી અલગ અલગ સમયે કુલ મળી રૂપિયા 78.61લાખ બેન્ક મારફતે ઓનલાઇન તેમજ આંગળિયા મારફતે મોકલી છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી હર્ષ દિનેશભાઇ દવે વિરુદ્ધ આઇપીસી કલમ 406,420,465,467અને 468 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.