સીસીટીવી, બાલવાટીકાના સાધનોની ફાળવણીમાં વિલંબ થતો હોવાનો સભ્યોએ બળાપો ઠાલવ્યો : સીસીરોડ સહિતના અધૂરા કામો ઝડપથી પુરા કરવાનો સુર ઉઠ્યોમોરબી : મોરબી તાલુકા પંચાયતની બીજી ટર્મની નવી બોડી રચાયા બાદ આજે વિકાસ કામો માટે પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, ટીડીઓ પી.એસ.ડાંગર, કારોબારી ચેરમેન તુલસીભાઈ પાટડોયા સહિતનાની હાજરીમાં મળેલી સામાન્ય સભામાં સભ્યોએ અઢી વર્ષ પહેલાં મંગાવેલા સાધનો હજુ સુધી ન ફળવાયા હોવાનું કહીને દેકારો કર્યો હતો.મોરબી તાલુકા પંચાયતની આજની સામાન્ય સભામાં 15માં નાણાંપંચ 2024 -25ના આયોજનો અને કામ ફેરફારો માટે ચર્ચા વીચારણાં કરવામાં આવી હતી. જ્યારે સભ્યોએ ઉગ્ર રજુઆત કરીને જણાવ્યું હતું કે, ગામડાઓમાં સીસીટીવી કેમેરા બાલવાટીકા, આંગણવાડીના સાધનો અઢી વર્ષ પહેલાં મંગાવ્યા હોવા છતાં આજદીન સુધી બાળકોના રમતગમતના સાધનો હજુ આવ્યા ન હોય આવા મહત્વના સાધનોની મોડી ખરીદી થતી હોય એટલે આ સાધનો સમયસર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું.આ ઉપરાંત ઘણા ગામોમાં સીસીરોડ અને પેવર બ્લોક સહિતના ઘણા કામો હજુ અધરતાલ જ હોવાથી આ કામો ઝડપથી પુરા કરવાનું પણ જણાવ્યું હતું. જ્યારે પ્રમુખે જેટીંગ મશીનની હવે ખરીદી કરી શકાય તેમ ન હોય જે ગામોને આ મશીન ભાડે લેવું હોય તો આજુબાજુના ગામોમાંથી ભાડેથી લઈ શકશે અને નવી ગ્રામ પંચાયતમાં 15માં નાણાંપંચના કામોને ઝડપી સૂચવવાનું સભ્યોને જણાવ્યું હતું.વધુમાં મહેન્દ્રનગર ગામે ફાળવેલું જેટીંગ મશીન યોગ્ય કામ ન કરતું હોવાની ફરિયાદ ઉઠી હતી. સાથે જ 15માં નાણાંપંચના કામોના પ્રસ્તાવો ઝડપી આપવા સભ્યોને સૂચના આપવામાં આવી હતી.