ડબલ સવાર બાઇક કેનાલમાં પડ્યા બાદ ડુબી ગયેલા યુવાનને શોધવા ફાયર બ્રિગેડે 40 કલાક જહેમત ઉઠાવી, અંતે મૃતદેહ મળ્યો મોરબી : મોરબીના નીચી માંડલ ગામથી વાંકળા તરફના રસ્તા નજીક બે દિવસ પૂર્વે ડબલ સવારી બાઈક કેનાલમાં ખાબકતા એક યુવાન બચી ગયો હતો જ્યારે બીજો વ્યક્તિ કેનાલના પાણીમાં ગરકાવ થઈ જતાં ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવતા 40 કલાક બાદ આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નીંચી માંડલ ગામથી વાંકળા જવાના રસ્તા નજીક સુનીલભાઈ અને અશ્વિન કારુભાઈ મોઢુંતારીયા રહે બંને રફાળેશ્વર નામના યુવાનો બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક કોઈ કારણોસર નીંચી માંડલ ગામથી વાંકળા જવાના રસ્તા નજીક નીકળતી કેનાલમાં આ ડબલ સવાર બાઇક ખાબકયું હતું. તેથી બાઇક સાથે બન્ને વ્યક્તિઓ કેનાલમાં ડૂબી જતાં સુનીલને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી ગયો હતો. પરંતુ અશ્વિન કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.બીજી તરફ બનાવની જાણ મોરબીથી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને કેનાલમાં ડૂબેલા વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી અને આજે 40 કલાકના સમય બાદ રફાડીયા ગામના અશ્વિન કારુભાઈ મોઢુંતારીયાનો મૃતદેહ કેનાલમાંથી શોધી કાઢ્યો હતો.