રક્તપિત્ત દર્દીઓ સહિતના કુદરતી ઉણપનો ભોગ બનેલા નિસહાય લોકોને મદદરૂપ થવા પોતાના 67 વર્ષ સુધી આશરે 2.35 કરોડનું દાન એકત્ર કરીને મોકલાવ્યુંમોરબી : ‘શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ’ ચાણક્યએ કહેલા આ વાક્યને ખરા અર્થમા મોરબીના નીવૃત શિક્ષક ચંદુભાઇ દલસાણીયા ચરિતાર્થ કર્યુ છે. તેઓએ રક્તપિત પડિતો, અનાથ અને વિકલાંગોની સેવા માટે જીવન સમર્પિત કરીને રક્તપિતના દર્દીઓ,અનાથ બાળકો તથા માનસિક વિકલાંગોની સેવા કરતી સંસ્થા માટે પોતાના ૬૭મા જન્મદિવસ સુધીમા બે કરોડ પાંત્રીસ લાખનુ દાન એકત્ર કરીને મોકલાવ્યું છે.નીવૃત શિક્ષક ચંદુલાલનો જન્મ માળીયા મીયાણાના એક નાનકડા પંચવટી(ખીરઇ) ગામમા વર્ષ ૧૯૫૬મા થયો હતો. પરીવારની આર્થીક સ્થીતી સારી ન હોવાથી તેમના ચાર ભાઇઓમાથી ત્રણ ભાઇઓ થોડુ ઘણુ ભણતર પુરુ કરી ખેતીકામ સાથે જોડાયા પરંતુ ચંદુભાઇને નાનપણથી જ શિક્ષણ પ્રત્યેનો લગાવ એટલે ખીરઇથી સાઇકલ લઇને અથવા ચાલીને જઇ માળીયા ખાતેની જોષી પ્રાઇવેટ સ્કુલમા તેમનુ પ્રાથમીક શિક્ષણ પુરુ કરી આગળના ભણતર માટે પોતે મોરબીની વીસી હાઇસ્કુલ અને હંટરટ્રેનીંગ કોલેજમા પીટીસીનો અભ્યાસ પુર્ણ કરી મામલતદાર કચેરીમા નોકરીની શરૂઆત કરી હતી. પરંતુ તેમના અંદર એક શિક્ષકનો જીવ હતો એટલે તેમણે આ નોકરીમા રાજીનામુ આપી એક શિક્ષકની નોકરી સ્વિકારી અને પોતાની શિક્ષક તરીકેની સેવા સંપુર્ણ ફરજ સમજી સરકારી વેતનનુ પુરેપુરુ વળતર ચુકવી ૨૦૧૬મા પોતાની ૬૦ વરસની ઉમરે નિવૃત થયા.તેમણે જ્યા જ્યા પણ નોકરી કરી ત્યાના ગામલોકો વર્ષો બાદ આજે પણ તેમની કર્તવ્ય નિષ્ઠા અને શિક્ષણપ્રેમને યાદ કરે છે.જીવન એવુ જીવવુ કે ક્યારેય ઇશ્વર પાસે ભુલ કર્યાની માફી ન માંગવી પડે કે, કોઇની સામે શિશ ઝુકાવુ ન પડે તેમજ શક્ય એટલુ સમાજને ઉપયોગમા આવવુ અને જે જગ્યાએ ઉપયોગમા ન આવી શકી તો કોઇને નડવુ તો નહી જ. બસ આવી કંઇક વિચારસરણી સાથે આજે પણ ચંદુલાલ પોતાનુ જીવન જીવી રહ્યા છે. વાંચનના પણ ખુબ શોખીન હાલમા પણ તેમના ઘરે ૫૦૦થી વધુ પુસ્તકોનો ખજાનો જોવા મળે અને લાઇબ્રેરી તથા અન્ય લોકો પાસેથે લાવીને વાચેલા પુસ્તકો તો પાછા અલગ. આમ હજારો પુસ્તકો વાંચ્યા પછી પણ વાચનની ઘારા હજુ પણ ચાલુ જ છે.શિક્ષણપ્રેમી વીચારધારના કારણે આજે તેમના કુટુંબ પરીવારમા આજે ૯ કરતા પણ વધુ શિક્ષકો છે. જેમાના એક પરેશ દલસાણીયા આજે ગાધીનગર ખાતે શ્રેયાન અધીક્ષક તરીકે ફરજ બજાવે તો અન્ય ભત્રીજા કમલેશ દલસાણીયાને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયેલ તેમજ બીજી બાજુ એક ભત્રીજા રજનીશ દલસાણીયાની સ્કુલ મોરબી જીલ્લાની પ્રથમ ડીજીટલ સ્કુલ બનાવી છે. કાકા સાથે ભત્રીજા પણ પોતાની શિક્ષણની સરવાણી વરસાવતા જાય છે. હવે તેમની સેવા કાર્યની વાત કરીએ તો ૧૯૮૮ની સાલમા સંદેશ ન્યુઝપેપરમા જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા દ્રારા તેમણે હિમ્મતનગર પાસે આવેલ સહયોગ કૃષ્ટયજ્ઞ ટ્રસ્ટ વિષે વાંચતા તેમા તેમણે જણાવેલ કે, આ સંસ્થા રક્તપીત રોગોથી પીડીત લોકોની સેવા કરે છે અને રહેવાનો આશરો આપે છે. આ રોગને કારણે જે લોકોને ઘરપરીવારોએ કાઢી મુકેલ હોય તેવાને આ સંસ્થા આશરો આપી સેવા કરે છે. ત્યા આશ્રય પામતા આવા પીડીત લોકોની સંખ્યા વધતી જાય છે અને આ સંસ્થાના સ્થાપક સુરેશભાઇ સોની આ વધતા જતા નિભાવ ખર્ચ માટે ક્યારેય કોઇ પાસે મદદ માગવા માટે હાથ લાંબો કરતા નથી જે લોકો સ્વેચ્છાએ સામેથી આપે તેવા દાનમાથી જ આ સંસ્થા ચાલી રહી છે. પીડીતોની સંખ્યા વધતી જતી હોવાથી હવે તેમને મદદની જરૂર હોય શકે અને આ લેખ થકી વાચકોને બનતી મદદ કરવા જણાવેલ. ફક્ત આ લેખ થકી પોતાના પગારમાથી ૫૦-૧૦૦ રૂપીયા ક્યારેક બચાવી અને ચંદુભાઇએ પોતે મનીઓર્ડર મોકલવાની શરૂઆત કર્યા બાદ ધીમે ધીમે તેમના આ નિસ્વાર્થ કાર્યની જાણ થતા મીત્ર સર્કલ તથા સગા વ્હાલાઓ પણ પોતાની યથાશક્તી મુજબ દાનની રકમ આપતા થયા. આજે આ દાનની સરવાણીની રકમ બે કરોડ પાંત્રીસ લાખ સુધી પહોચાડેલ છે.ચંદુભાઇએ નિવૃત થતા પોતાની નિવૃતીનો સમય આ પ્રવૃતી માટે ફાળવવા નક્કી કરેલ અને જે આજની તારીખે પણ દર મહીને લાખો રૂપીયા ભેગા કરી આ સંસ્થાને મોકલે છે. મહત્વની વાત એ છે કે ચંદુભાઇને ક્યારેઇ કોઇ પાસે સામેથી દાનની રકમ માંગવા જવુ નથી પડ્યુ. લોકો જ સામેથી તેમની ઇચ્છાથી આપી રહ્યા છે. સંસ્થાનો પારદર્શીતા અને તેમની આ મહાન સેવા ચંદુભાઇને હજુ ૬૭ વર્ષે પણ સેવાકાર્ય માટે જરૂરી જુસ્સો પુરો પાડે છે. આજની તારીખે સંસ્થામા રક્તપીતવાળા, અનાથ, માનસીક વીકલાંગ, નિરાધાર વૃધ્ધો ૧૩૦૦થી વધુ લોકો રહે છે તેમજ અપંગ અને દુધ ના આપે તેવી ગાયો પણ રાખે છે.એક સાધારણ શિક્ષકના આ અસાધારણ નિસ્વાર્થકામને સમગ્ર મોરબીના સમસ્ત સમાજ એક ગૌરવભરી નજરે જોઇ રહ્યો છે અને ચંદુભાઇને તેમના ૬૭મા જન્મદિવસની ખુબખુબ શુભેચ્છા પાઠવી રહ્યો છે. ચંદુલાલ દલસાણીયા ૯૩૭૫૩૫૦૮૫૦