નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરના અભાવે સમસ્યાઓ વધી હોવાનો આક્રોશ, સમસ્યા ઉકેલવા માટે સામાજિક કાર્યકરોનું તંત્રને 15 દિવસનું અલ્ટીમેટમમોરબી : મોરબીમાં નગરપાલિકા સુપરસિડ થયા બાદ કાયમી ચીફ ઓફિસરની નિમણૂક જ ન થતા પાલિકા ઘણીધોરી વગરની થઈ ગઈ છે. નગરપાલિકામાં લોકોની કોઈપણ સમસ્યા ઉકેલવા માટે યોગ્ય અધિકારી અને પદાધિકારીઓ જ ન હોવાથી શહેરભરમાં સમસ્યાઓ વધી છે. ખાસ કરીને લાતીપ્લોટની ગટર ઉભરાવવાની સમસ્યાએ આડો આંક વાળી દેતા સામાજિક કાર્યકરોએ આ સમસ્યા ઉકેલવા માટે તંત્રને 15 દિવસનું અલ્ટીમેટલ આપ્યું છે.મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરિયા, ચિરાગભાઈ સેતાએ મોરબી નગરપાલિકા, ધારાસભ્ય અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબી પાલિકાનો સૌથી વધુ કમાઉ દીકરો ગણાતા લાતીપ્લોટની તંત્રએ કાયમ ઘોર ઉપેક્ષા કરી છે. એટલે આ ઔધોગિક વિસ્તારની એટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે કે, ત્યાં નાના મોટા ઉધોગ ચલાવતા લઘુ ઉધોગકારો અને વેપારીઓને ધંધો કરવો મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને ગટરની સમસ્યા હાલ આ વિસ્તારને એટલી બધી ઘેરી વળી છે કે, વગર ચોમાસે લાતીપ્લોટના ખરાબ રસ્તાઓ ઉપર નદીની જેમ ગટરના ગંદા પાણી વહી રહ્યા હોવ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.વધુમાં જણાવ્યું હતું કે આ એક વિસ્તાર જ નહીં ઘણા બધા વિસ્તારો ગટરની સમસ્યાથી પ્રભાવિત છે. તેમાંય તંત્રની કચરા કલેક્શનની વ્યવસ્થા ભાંગી પડી હોય ઘણા બધા વિસ્તારમાં કચરા ગાડી કચરો લેવા આવતા ન હોવાથી ઠેરઠેર કચરાના ગંજ ખડકાયા છે. આ બધી સમસ્યાઓ વધી એની પાછળ નગરપાલિકા તંત્રની બેદરકારી તો છે જ. પણ સાથેસાથે કાયમી ચીફ ઓફિસર ન હોવાથી પાલિકાનો વહીવટ જ કથળી ગયો છે અને સમસ્યાઓ કોરણે મુકાય ગઈ છે. એક સમયે પેરિષ ગણાતું મોરબી હવે ગંદુ શહેર બની જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આથી 15 દિવસમાં ગટરની સમસ્યા અને કાયમી ચીફ ઓફિસર ન મુકવામાં આવે તો નગરપાલિકા કચેરીમાં ગટરની ગંદકી ઠાલવી દેવામાં આવશે તેવી ચીમકી આપી છે.