ખાસ ઝુંબેશના દિવસે પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા અપીલ કરતા જિલ્લા કલેકટર જી. ટી. પંડયામોરબી : ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે વિશેષ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અન્વયે ચાલુ મહિનામાં બે વિશેષ ઝુંબેશમાં મોરબી જિલ્લામાં 26 હજાર લોકોએ અરજી કરી છે અને હજુ આગામી તા.9ના રોજ ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર હોય જિલ્લા કલેકટર દ્વારા બહોળો લાભ લેવા અનુરોધ કરાયો છે.આગામી લોકસભાની ચુંટણીમાં મતાધિકાર પ્રાપ્ત કરવા મતદારયાદીમાં નામ નોંધાવવા મોરબી જિલ્લામાં ખાસ મતદાર નોંધણી ઝુંબેશ યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના ત્રણ વિધાન સભા બેઠકો માટે ખાસ ઝુંબેશ અંતર્ગત મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, નામ રદ કરવા, સરનામું કે અન્ય વિગતોમાં સુધારા અંગેની કામગીરી થઈ રહી છે.મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડયાએ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મ-2024અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં ભારતના ચુંટણી પંચ દ્વારા દેશકા ફોર્મ કાર્યક્રમ અને એસ.એસ.આર. 2023 મતદાર લાયકાત 1/1/24 અંતર્ગત તા. 27/10/23 થી 26/12 /23 દરમિયાન નવા મતદાર નોંધણી, મતદાર યાદીમાં સુધારણા, સ્થળાંતર, નામ કમી કરાવવાની કામગીરી ચાલી રહેલ છે.એસ.એસ.આર. દરમિયાન મોરબી જિલ્લાના ત્રણ વિધાનસભા મત વિસ્તારમાં ફોર્મ નં. 6 હેઠળ નવા નામ નોંધાવવા માટે 9118, ફોર્મ નં. 7નામ કમી કરાવવા માટે 6915 ફોર્મ નં. 8 સુધારો અથવા સ્થળાંતર માટે 10,000 થી વધારે ફોર્મ આવ્યાં છે. આમ કુલ 26000 થી વધારે નવા ફોર્મ મળ્યા છે.એસ.એસ.આર.માં કુલ ચાર ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 નવેમ્બર, 26 નવેમ્બર અને 3 ડિસેમ્બરની ઝુંબેશ પૂર્ણ થયેલ છે અને હવે પછીની છેલ્લી ઝુંબેશ 9 ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે.વધુમાં વધુ લોકો મોરબી જિલ્લામાં તા. 9/12/2023 ના રોજ યોજાનાર ઝુંબેશનો લાભ લે તેમજ જે વ્યક્તિને સ્થળાંતર માટેનું ફોર્મ ભરવાનું હોય તેવા લોકો આ ઝુંબેશમાં મતદાન મથક પર BLOનો સંપર્ક કરી જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યા એ અપીલ કરી હતી. આ સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાએ પણ સૌને આ ઝુંબેશનો લાભ લેવા માટે અપીલ કરી છે.