મહિલાઓની તુલનાએ પુરુષો માટે હૃદયરોગ ઘાતક સાબિત થયો, 2529 પુરુષ અને 324 મહિલાઓનો અકાળે અવસાન મોરબી : કોરોના મહામારી બાદ ગુજરાતમાં નાનીવયે હાર્ટ એટેકના બનાવોમાં જબરો ઉછાળો આવ્યો છે ત્યારે છેલ્લા એક વર્ષમાં હ્રદયરોગથી મૃત્યુ થવાના 2853 કેસ નોંધાયા છે. મહિલાઓની તુલનાએ પુરુષો માટે હૃદયરોગ વધુ ઘાતક સાબિત થયો છે અને 2529 પુરુષ અને 324 મહિલાઓનો અકાળે અવસાન થયા હોવાનું સામે આવ્યું છે.નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)ના વર્ષ 2022ના અહેવાલ પ્રમાણે હૃદય રોગનો હુમલો થવાથી તુરંત જ મૃત્યુ (સડન ડેથ) થયું હોય તેવી સમગ્ર દેશમાં 31900 ઘટના નોંધાઇ છે. જેમાં 27556 પુરુષ-4341 મહિલા અને 3 ટ્રાન્સજેન્ડર્સનો સમાવેશ થાય છે.આ સમયગાળામાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર 12591 સાથે મોખરે, કેરળ 3993 સાથે બીજા, ગુજરાત ત્રીજા, કર્ણાટક 2070 સાથે ચોથા અને મધ્ય પ્રદેશ 1672 સાથે પાંચમાં સ્થાને છે.વર્ષ 2022માં ગુજરાતમાં તમામ કારણોથી સડન ડેથથી 3081ના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. ગુજરાતમાં વર્ષ 2021માં હાર્ટ એટેકથી તુરંત મૃત્યુ થયાની કુલ 2948 ઘટના નોંધાઇ હતી. જેમાં 2611 પુરુષ અને 337 મહિલાનો સમાવેશ થાય છે. આમ, બે વર્ષમાં 5801 વ્યક્તિએ ગુજરાતમાં હૃદયરોગના હુમલા બાદ તુરંત જ જીવ ગુમાવ્યો છે. ગત વર્ષે સમગ્ર દેશમાં હૃદયરોગના હુમલા બાદ 27998 વ્યક્તિના તુરંત જ મૃત્યુ થયા હતા.