બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું : બપોરે ઘટના બન્યા બાદ બીજા દિવસે સવારે સારવાર દરમ્યાન પરિણીતાએ દમ તોડી દેતા બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવીમોરબી : મોરબીના લાલપર ગામે રહેતી પરિણીતાએ બીમારીથી કંટાળી જીવનનો અંત લાવવા આત્મઘાતી પગલું ભર્યું હોવાની આઘાતજનક ઘટના બહાર આવી છે. જેમાં પરિણીતાએ પહેલા જાતે જ ગળા સહિત શરીરે બ્લેડથી છરકાઓ કરી પોતાના મકાનની અગાશી પરથી પડતું મૂક્યું હતું. આથી ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન તેણીનું મોત નિપજતા તેના બે માસુમ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા ભારે અરેરાટી મચી ગઇ હતી.મોરબી તાલુકા પોલીસે આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીના લાલપર ગામે રહેતી મિત્તલબેન સંજયભાઈ પરમાર(ઉ.વ.30) નામની પરિણીતા બીમારીથી એટલી હદે ગળે આવી ગઈ હતી કે તેણીએ આપઘાત કરવા ખતરનાક ખૂની ખેલ ખેલ્યો હતો. જેમાં આ પરિણીતાએ 3 નવેમ્બરને બપોરે જાતે જ ગળા તેમજ બન્ને હાથ સહિત શરીરે બ્લેડથી કાપા મારી ગંભીર ઇજા પહોંચાડી પોતાના મકાનની અગાશીએથી નીચે મોતની છલાંગ લગાવી હતી. આ જીવલેણ આત્મઘાતી પગલાથી પરિણીતાને ગંભીર ઇજા સાથે તેણીને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેણીએ સારવાર દરમિયાન આજે વહેલી સવારે દમ તોડી દેતા તેના પરિવારે હૈયાફાટ આક્રંદ કરી મુકતા ગમગીની છવાઈ ગઈ હતી.આત્મઘાતી પગલાંનો વિડીયો બનાવ્યોલાલપર ગામની પરિણીતાએ આ આત્મઘાતી પગલાનો વિડીયો બનાવ્યો હોવાનું જાણવા મળે છે. જેમાં તેણીએ વિડીયોમાં તેના અંતિમ પગલાં પાછળ કોઈ જવાબદાર નથી અને પોતે જ બીમારીથી કંટાળી આ પગલું ભરી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટાફના જસપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મૃતક પરિણીતાને દોઢ મહિના પહેલા પ્રસુતિ થઈ હોય આ પ્રસુતિની પીડા અને શ્વાસની બીમારી સહન ન થતા આ અંતિમ પગલું ભર્યું હતું. 10 વર્ષ પહેલાં લગ્ન કરનાર મૃતક પરિણીતાને સંતાનમાં સાડા ત્રણ વર્ષનો એક પુત્ર અને એક દોઢ મહિનાની દીકરી છે.