વહેલી સવારે બનેલા બનાવમાં તાલુકા પોલીસ ટીમે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી મોરબી : મોરબી પંથકમાં છેલ્લા એક અઠવાડિયામાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબીના ખોખરા હનુમાનજીની જગ્યા પાસે આજે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા તાલુકા પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.હત્યાના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ મોરબીના ખોખરા હનુમાન નજીક રહીને મજુરી કરતો અમરશી નારાયણ સરકાર (ઉ.વ.23) નામના શ્રમિક યુવાન આજે સવારે કુદરતી હાજતે ગયા બાદ તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેમાં કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ વાતનું મનદુઃખ રાખી આ યુવાનના પેટના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પીઆઇ વાળા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવનું કારણ જાણવા અને હત્યારાની ઓળખ મેળવી ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.