ઓવરબ્રિજની સાથે સીસીરોડ રસ્તાના કામોનું પણ ખાતમુહૂર્ત કરાયુંમોરબી : મોરબી શહેર અને સામાંકાંઠાને જોડતા એકમાત્ર નટરાજ ફાટકે સર્જાતી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ઘણા સમયથી કાગળ ઉપર ચાલતી કામગીરીના અંતે સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવતા આજે નટરાજ ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાના કામનું રાજકીય મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.નટરાજ ફાટક ઉપર રૂ.76 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરાશે. મયુર પુલ, પાડાપુલ, કેસરબાગ, રેલવે ક્રોસિંગ, પોલીસ લાઇન થઈ મહારાણા પ્રતાપ સર્કલ, માળીયા ફાટક અને ત્રાજપર ચોકડી સુધીના આ નટરાજ ફાટક પરના ઓવરબ્રિજની આશરે 1192.96 મીટરની લાબાઈ દર્શાવવામાં આવી છે અને 19.60 મીટર એટલે બે લેન વીથ મીડિયનની પહોળાઈ રાખવામાં આવી છે. ઓવરબ્રિજની સાથે સીસીરોડ રસ્તાના કામોનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.જેમાં રૂ.93 લાખના ખર્ચે ચકિયા હનુમાનજીથી અવની ચોકડી અને 65 લાખના ખર્ચે પાલિકાના 13 વોર્ડના જુદાજુદા કામો સહિત કુલ રૂ.81.58 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ઓવરબ્રિજનું કામ યોગ્ય રીતે થાય તેની જવાબદારી તેમની હોય ક્યાંય પણ નબળું કામ થાય તો તેમનું ધ્યાન દોરવાની ટકોર કરી હતી. તેમજ મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 2 હજાર કરોડના વિકાસ કામો કરવાની નેમ વ્યક્ત કરી હતી.ઓવરબ્રિજ ખાતમુહૂર્ત પ્રસંગે મહાનુભાવોમાં સાંસદ કેશરીદેવસિંહ, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશ વરમોરા, મેઘજીભાઈ ચાવડા,જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, મગનભાઈ વડાવીયા જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મીયાત્રા, કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, શહેર મહામંત્રી ભાવેશ કંજારીયા, રિશીપભાઈ કૈલા, પાલિકાના વહીવટદાર અને અધિક કલેકટર એન.કે. મૂછાર, અધિક કલેકટર અને ચીફ ઓફિસર સુશીલ પરમાર, માર્ગ અને મકાન વિભાગના હિતેષ આદ્રોજા, સીટી મામલતદાર વાળા, તાલુકા મામલતદાર નિખિલ મેહતા સહિતના અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.