દુકાનદારો સહિતના તમામ લોકોને જ્યાં ત્યાં કચરો ફેંકવાને બદલે કચરા પેટીમાં કચરો નાખવાની હાકલ કરીમોરબી : મોરબીના એસટી બસ સ્ટેન્ડમાં આજે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જાતે જ સફાઈ કરી સફાઈ અઠવાડિયાનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે તેઓએ વિદેશમાં જાવ ત્યારે કેમ જ્યાં ત્યાં કચરો નાખતા નથી ? તેની જેમ આપણા ઘર ગણાતા શહેરને પણ સ્વચ્છ રાખવાની નૈતિક જવાબદારી નિભાવી દુકાનદારો સહિત તમામ લોકોને જ્યાં ત્યાં કચરો ફેંકવાને બદલે કચરા પેટીમાં કચરો નાખવાની હાકલ કરી છે.રાજ્યભરમાં એસટી વિભાગના સ્વચ્છતા અભિયાનનો રાજ્યના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો. આથી મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના એસટી બસ સ્ટેન્ડમાં જાતે સફાઈ કરીને સફાઈ વીક નો શુભારંભ કરાવ્યો છે. તેમની સાથે અન્ય લોકોએ પણ એસટી બસ સ્ટેન્ડને સ્વચ્છ કરવા જાતે જ સાવરણા ઉઠાવીને શ્રમદાન કર્યું હતું. તમામ એસટી બસમાં કચરાપેટી મૂકાશે અને બસ સ્ટેશન પર સ્વચ્છતા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાશે. મોરબી જિલ્લાના લોકોને સ્વચ્છતા રાખવા અને કચરો કચરા પેટીમાં નાખવા તેઓએ આહવાન કર્યું છે.આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આપણા બધા ફોરેન જાય ત્યારે કેમ ત્યાં જ્યાં ત્યાં કચરો ફેકતા નથી ? ત્યાં સ્વચ્છ રાખો તો અહીંયા કેમ નહિ ? જેવી રીતે ફોરેનમાં સ્વચ્છતા જાળવો છો તેવી જ રીતે આપણા દેશ અને શહેરને સ્વચ્છ રાખવા યોગ્ય સહકાર આપો. નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા રાત્રીના સફાઈ કરવામાં આવે છે. પણ સવારે દુકાનદારો સહિત ઘણા લોકો પોતાની દુકાન સહિતનો કચરો બહાર જ્યાં ત્યાં ફેંકે છે. તેથી સ્વચ્છતા અભિયાન સાર્થક થતું નથી. આથી આજે બસ સ્ટેન્ડની જેમ નાલા, રોડ રસ્તા સહિત બધી જ જગ્યાએ સફાઈ અભિયાન ચાલવામાં આવશે અને કચરા પેટી પણ મુકાશે. તેથી દુકાનદારો સહિત તમામ લોકો સ્વચ્છતા જાળવે તેવી તેઓએ ટકોર કરી છે.