9 ડિસેમ્બરે મોરબીમાં કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉમટશેમોરબી : ગુજરાત રાજ્યના શિક્ષકો સહિતના અન્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી જૂની પેન્શન યોજના પુન:લાગુ કરવા સહિતના અનેક પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છે છતાં પણ સરકાર દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા આગામી તા.9 ડિસેમ્બરે મોરબી ખાતે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છના શિક્ષકો પદયાત્રા યોજી મહાપંચાયત યોજવા જાહેરાત કરી છે.ગત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા બનાવેલી પાંચ મંત્રીઓની કમિટીએ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હોવા છતાં આજદિન સુધી ઠરાવ બહાર પાડવામાં ન આવતા ગાંધી જયંતીના દિવસે સમગ્ર રાજ્યમાં શિક્ષકોએ મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. મુખ્યમંત્રીથી લઈને તમામ નેતાઓને પણ રજૂઆતો કરી હતી. જો કે તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે મોરબી જિલ્લા શૈક્ષિક સંઘ દ્વારા મોરબીમાં 9 ડિસેમ્બરના રોજ પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરાયું છે.9 ડિસેમ્બરે મોરબી સહિત રાજ્યમાં કૂલ 11 સ્થળે પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરાયું છે. 9 ડિસેમ્બરે મોરબીમાં 3 વાગ્યે મોરબીના નવા બસ સ્ટેશનની બાજુમાં સરદારબાગ ખાતે મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષકો સહિતના અન્ય તમામ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે. ત્યાંથી રેલી સ્વરૂપે કેસરબાગ જશે અને ત્યાં મહાપંચાયત યોજાશે. આ મહાપંચાયતમાં આગામી કાર્યક્રમની રણનીતિ ઘડી કાઢવામાં આવશે. મહાપંચાયતમાં સરકાર સમક્ષ માંગણી રજૂ કરવામાં આવશે. કલેકટરને આવેદન આપવામાં આવશે. અન્ય રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવેલ છે તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં કેમ નહિ? અમને ટેન્શન નહિ પેન્શન આપો, મેરી મિટ્ટી મેરા ઓપીએસ, Only OPS OPS ના નારા સાથે પદયાત્રા અને મહા પંચાયત દ્વારા કર્મચારીઓ લડી લેવાના મુડમાં દેખાઈ રહ્યા છે.