થાનગઢના સ્વ.મનસુખભાઈ શિવાભાઈ નારણીયા અને ભાનુબેનની દિકરી મુમુક્ષુ રોહિણીબેનને 3જી ડિસેમ્બરે વિદાય અપાશે : હાલાર તીર્થધામ આરાધના ધામ ખાતે ત્રિ દિવસીય દીક્ષા સમારોહ મોરબી : જામનગર અને જામ ખંભાળિયા વચ્ચે આવેલા જૈન સમાજના સુપ્રસિદ્ધ હાલાર તીર્થધામ એવા આરાધના ધામ ખાતે આગામી તા.5થી 7 દરમિયાન ત્રિદિવસીય જિનભક્તિ મહોત્સવમાં થાનગઢના પ્રજાપતિ સમાજના દીકરી મુમુક્ષુ રોહિણીબેન જૈન દીક્ષા ગ્રહણ કરશે, દીક્ષા મહોત્સવ પૂર્વે મુમુક્ષુ રોહિણીબેનને શોભાયાત્રા સાથે વિદાયમાન આપવામાં આવનાર હોય થાનગઢમાં અત્યારથી ઉત્સાહ છવાયો છે.થાનગઢના સ્વ.મનસુખભાઈ શિવાભાઈ નારણીયા અને ભાનુબેનની દિકરી મુમુક્ષુ રોહિણીબેનને બાળપણથી જ પાડોશમાં રહેતા જૈન પરિવાર સાથે પારિવારિક સંબંધોને કારણે જૈન ધર્મ પ્રત્યે લગાવ લાગ્યો હતો.જૈન સિવાયના કુળમાં જન્મેલા હોય, પણ ભાવિ ભવ્ય હોય. સંસાર પરિમિત થયો હોય, નજીકમાં મોક્ષે જવાનું હોય એવા કોઈક આત્માને અત્યંત સહજભાવે જિનશાસન પ્રત્યે રાગ-અનુરાગ ઉત્પન્ન થતા હોય જૈન સંપ્રદાય દ્વારા દીક્ષા આપવામાં આવે છે, ઉલ્લેખનીય છે કે જૈન સમાજના પ્રભુ મહાવીરસ્વામિ ક્ષત્રિયકુળના, ગૌતમસ્વામિ બ્રાહ્મહ્મણકુળના અને મુમુક્ષુ રોહિણીબેન પ્રજાપતિડુ કુળમાં જન્મેલા હોવા છતાં જિનશાસન તરફ પ્રયાણ કરી રહ્યા છે.મુમુક્ષુ રોહિણીબેન સંવત ૨૦૬૦ એટલે કે, ઇ.સ.૨૦૦૪ ની સાલ પરમપૂજય બાપજીમહારાજના સમુદાયના પરમપૂજય સાધ્વીજી ભાવવર્ધનાશ્રીજી મહારાજ આદિ ઠાણા-6નું ચાર્તુમાંસ થાનગઢ મુકામે સોસાયટીમાં થયું ત્યારે ત્યાં રહેતા સુશ્રાવિકા સવિતાબેન ભગવાનજીભાઈ નગરીયાની પાડોશમાં રહેતાં મનસુખભાઈ શિવાભાઈ નારણીયા અને ભાનુબેનની દિકરી રોહિણી ત્યારે માત્ર 6 વર્ષની હતી. બાળપણના હિસાબે સહજભાવે સવિતાબેનના પરિવાર સાથે હળીમળી ગયેલી રોહિણી સાધ્વીજી મહારાજ વહોરવા પધારે ત્યારે પોતે પણ ખૂબ ભાવથી વહોરાવે. સાધ્વીજી મહારાજ ન પધાર્યા હોય તો બોલાવવા આવે. સાધ્વીજી મહારાજને જોઇને રાજી થાય. સવિતાબેનને પણ આ ગમ્યું એટલે રોહિણીને પ્રભુદર્શન-ગુરૂવંદન વગેરે માટે પ્રેરણા કરતા. ત્યારથી નાનકડી રોહિણીએ પોતાના નાનકડા મનમાં મહાન એવું ચારિત્રગ્રહણના મનોરથ રૂપ બીજ વાવી દીધું પછી અવાર-નવાર સવિતાબેન, તેમના પુત્રવધૂ પ્રીતિબેન સાથે ધાર્મિક પ્રસંગોમાં આવતી અને પોતાની ચારિત્ર ગ્રહણની ભાવનાનાં બીજને પાણી પાતી. આ રીતે તેના મન રૂપી ધરતીમાં એ બી પોતાની મેળે પાંગરતું રહ્યું.સંસાર ચક્ર ચાલ્યા કરે છે ત્યારે 14 વર્ષની ઉંમરે રોહિણીના પિતાએ ટૂંકી બિમારીમાં આ સંસારમાંથી વિદાય લીધી. આ આઘાતે રોહિણીના જીવનમાં-મનમાં વૈરાગ્યદીપને પ્રજવલિત બનાવવાનો પ્રત્યાઘાત આપ્યો. સંવત ૨૦૭૬માં આરાધનાધામમાં ઉપધાનતપમાં મમ્મીની અનુમતિ લઈને અઢારિયું કરવા આવી ત્યારે પરમપૂજ્ય ઉપકારી આચાર્યભગવંતશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજની વૈરાગ્યવાણી ઝીલીને સંયમજીવન સ્વીકારનો દૃઢ નિર્ણય કર્યો. મોક્ષ માળ પહેરીને પ્રભુ સાથે પ્રીત પાકી કરવી હતી પણ હજી સંયોગો અનુકૂળ ન હતા. તો પણ ગુરૂમહારાજ સાથે તો પ્રીત બાંધી જ દીધી, ઘરે રહીને રોહિણીએ બે પ્રતિક્રમણના સૂત્રો કંઠસ્થ કર્યા. આખરે મમ્મી, મોટા પપ્પા, મોટીમમ્મી આદિ સર્વ પરિવારને લાગ્યું કે આને સંસારના બંધનમાં બાંધવા જેવી નથી તેથી આનંદપૂર્વક અનુમતિ આપી.અઢારીયું કરવા આવેલી ત્યારેજ રોહિણીએ પરમપૂજય પંન્યાસપ્રવશ્રી વજ્રસેનવિજયજી મહારાજ પાસેથી સંયમ આશીર્વાદ મેળવેલા ત્યારપછી પરમપૂજય આચાર્યદેવશ્રી મનમોહનસૂરિજી મહારાજ અને પરમપૂજય આચાર્યદેવશ્રી હેમપ્રભસૂરિજી મહારાજના અંતરના આશીર્વાદ અને પરમપૂજ્ય આચાર્યદેવશ્રી પુંડરિકરત્નસૂરિજી મહારાજની અનુમતિપૂર્વકના આશીર્વાદથી સંયમ ગ્રહણ કરવા કટિબદ્ધ બની છે અને માનવ થઈને મુનિ બનવાના મનોરથ સફળ કરશે.ઉલ્લેખનીય છે કે મુમુક્ષુ રોહિણીબેન જૈનસમાજના સમ્યગદર્શન અંતર્ગત શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર જીરાવલા આદિ રાજસ્થાનના તીર્થો ૧૧૯ કલ્યાણક ભૂમિની યાત્રા કરી છે અને એક વર્ષથી પણ ઓછા સમયમાં પાંચ પ્રતિક્રમણ અર્થસહિત, નવસ્મરણ, સ્તવન, સ્તુતિ કંઠસ્થ કર્યા છે ત્યારે ભાવથી નક્કર આરાધના કરનાર મુમુક્ષુ કુમારી રોહિણીની અંતઃકરણથી અનુમોદના બાદ પ્યારા પરિવારને આગામી તા.3 ડિસેમ્બરના રોજ અલવિદા કરશેમુમુક્ષુ કુમારી રોહિણી દાદા-દાદી હેમબેન શિવાભાઈ શામજીભાઈ નારણીયા, માતા-પિતા ભાનુબેન મનસુખભાઈ શિવાભાઈ નારણીયા, ભાભુ-ભાઈજી પ્રભાબેન નાનજીભાઈ નારણીયા ભાઈ અનીલ નાનજીભાઈ નારણીયા દીપક મનસુખભાઈ નારણીયા, ફઈ-ફુઆ તારાબેન કેસુભાઈ ઘુમલીયા, નીતાબેન લક્ષ્મણભાઈ બરાસરા, ભગવતીબેન પરેશભાઈ ઘરોડીયા, બેન-બનેવી હેતલ હરેશભાઈ સાણજા, નાની-નાના પ્રેમબેન લક્ષ્મણભાઈ ચારોલા, મામા-મામી હંસાબેન કિશોરભાઈ ચારોલા, ગીતાબેન હિંમતભાઇ ચારોલા, ભાવનાબેન ભરતભાઈ ચારોલા, માસી-માસા મીનાબેન પ્રવિણભાઇ વાણેસીયા અને પરિવારના બાળકો કેવલ, યક્ષ, ઋષિત, ધ્યોમ, પૂર્વ, વિશ્વા, કિસન, દિપાલી થાનગઢ મુકામે અલવિદા કહેશે. સાથે જ કારતક વદ-6ને તા.3-12-2023ના રોજ રવિવારે સવારે 6 કલાકે શોભાયાત્રા પછી બેઠું વરસીદાન કરવામાં આવશે અને બપોરે 12 કલાકે સ્વામીવાત્સલ્ય બાદ વિદાય સમારોહ યોજવામાં આવશે. ત્યારબાદ આગામી તા.5થી 7 ડિસેમ્બરે હાલાર તીર્થધામ એવા આરાધના ધામ ખાતે વરસીદાનનો વરઘોડો અને તા.7ના રોજ પ્રવજ્યા પ્રદાન કરવામાં આવશે.