તેઓ હંમેશા રેલ્વેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હતામોરબી : અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરનો જન્મ તા. 29 નવેમ્બર, 1869ના રોજ ગુજરાતમાં ભાવનગરના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેઓ ઠક્કર બાપાના નામથી પ્રખ્યાત છે. તેઓ એક ભારતીય સામાજિક કાર્યકર હતા કે જેમણે ભારતના ગુજરાત રાજ્યમાં આદિવાસી લોકોના ઉત્થાન માટે કાર્ય કર્યું હતું.તેઓ ઇ.સ. 1914માં ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વર્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના સભ્ય બન્યા હતા. પછી ઇ.સ. 1922માં તેમણે ભીલ સેવા મંડળની સ્થાપના કરી. ત્યારબાદ ઇ.સ. 1932માં તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત હરિજન સેવક સંઘના મહામંત્રી બન્યા. તા. 24 ઓક્ટોબર, 1948ના રોજ ભારતીય આદિજાતિ સેવક સંઘની સ્થાપના તેમની પહેલ પર કરવામાં આવી હતી.જ્યારે ભારતીય બંધારણની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે તેમણે ભારતના દૂરના અને સૌથી મુશ્કેલ ભાગોની મુલાકાત લીધી હતી અને આદિજાતિ અને ગરીબ લોકોની પરિસ્થિતિની તપાસ કરી હતી. બંધારણની પ્રક્રિયામાં તેમણે મૂલ્યવાન મુદ્દાઓ ઉમેર્યા હતા. મહાત્મા ગાંધી તેમને 'બાપા' કહેતા હતા.ઠક્કર બાપાએ આસામ, ગ્રામીણ બંગાળ, ઓરિસ્સાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો, ગુજરાતના ભીલ પટ્ટાઓ અને સૌરાષ્ટ્રના આદિવાસી વિસ્તારો, મહારાષ્ટ્રના મહાર વિસ્તારો, મદ્રાસમાં અસ્પૃશ્ય વિસ્તારો, છોટા નાગપુરના ડુંગરાળ વિસ્તાર, હિમાલયની તળેટી સહિતના વિસ્તારોની મુલાકાત તેમણે આદિજાતિના ઉત્થાનના તેમના ધ્યેયને ધ્યાનમાં રાખીને લીધી હતી. તેઓ હંમેશા રેલ્વેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હતા. ઠક્કર બાપાએ તેમના જીવનના 35 વર્ષ આદિજાતિ અને ગરીબોની સેવામાં વીતાવ્યા હતા. તેમનું અવસાન તા. 20 જાન્યુઆરી, 1951ના રોજ થયું હતું.