તંત્ર વહેલી તકે શાક માર્કેટનું યુરિનલ ચાલુ કરે તેવી વેપારીઓની માંગમોરબી : મોરબીમાં શહેરના ભીડભાડવાળા અને મુખ્ય બજાર ગણાતા ગ્રીનચોક, શાક માર્કેટ, તખ્તસિંહજી રોડ, નવા ડેલા રોડ, શનાળા અને રવાપર રોડ સહિતના વિસ્તારોમાં દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોવા છતાં લોકોની પ્રાથમિક જરૂરિયાત એવા યુરિનલ અને શૌચાલયો ખૂબ જ ઓછા છે અને ઘણા વિસ્તારોમાં તો યુરિનલની સુવિધા જ નથી. આથી લોકો અને તેમાંય ખાસ બજારોમાં ખરીદી માટે આવતી મહિલાઓ યુરિનલની સુવિધાઓના અભાવે મુશ્કેલીઓ મુકાય જાય છે. વર્ષોથી આ મહત્વની સુવિધા ન હોવી એ સંબધિત તંત્ર માટે ખૂબ જ શરમ જનક છે.મોરબીમાં વર્ષોથી યુરિનલ અને શૌચાલયના અભાવનો સળગતો પ્રશ્ન છે. તેમાંય નહેરુ ગેઇટ ચોક નજીક આવેલા શાક માર્કેટમાં દરરોજ મોટી સંખ્યામાં મહિલાઓ શાકભાજી લેવા આવતી હોય ત્યારે તેમના માટે પ્રાથમિક જરૂરિયાત એવી યુરિનલની સુવિધા હોવી ખૂબ જરૂરી છે. પણ તંત્રના પાપે શાક માર્કેટમાં વર્ષોથી યુરિનલ બંધ હાલતમાં છે. આ મુદ્દે શાક માર્કેટમાં યુરિનલ ચાલુ કરવા વેપારીઓએ તંત્ર સમક્ષ રજુઆતોનો ધોધ વહાવ્યો છે. છતાં નિભર તંત્ર જરાય મચક આપતું નથી. શાક માર્કેટ તેમજ તેની આસપાસ બીજી ઘણી ચીજવસ્તુઓની બજાર હોય તેમાં આશરે 500 જેટલા વેપારીઓને પોતાનો ધંધો ખુલ્લો મૂકીને છેક નહેરુ ગેઇટ ચોકમાં આવેલા યુરિનલમાં જવું પડે છે. આથી વેપારીઓએ ફરી એકવાર તંત્ર સમક્ષ શાક માર્કેટનું યુરિનલ ચાલુ કરાવવાની માંગ કરી છે.