મોરબી : મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આગામી તા. 9 ડિસેમ્બરના રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલત મોરબી જીલ્લા તેમજ તાલુકા મથકે યોજાશે. જેમાં વિવિધ પ્રકારના કેસો હાથ ધરવામાં આવશે.ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ મોરબી દ્વારા જીલ્લાની અદાલતોમાં દાખલ થયેલા કેસોનું ભારણ ઓછું થાય તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે, તે હેતુસર અલગ-અલગ વિષયો પર તા. 9ડિસેમ્બરના રોજ મોરબી જીલ્લા અને તાલુકા મથકોએ નેશનલ લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ચેક રિટર્ન અંગેના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત ક્લેઈમને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજૂર કાયદા હેઠળના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઈલેટ્રિકસિટી તથા પાણીના બિલોને લગતા કેસો હાથ પર લેવામાં આવશે.મોરબી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન પી. સી. જોષી તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, મોરબીના ફુલ ટાઈમ સેક્રેટરી બી. એસ. ગઢવી દ્વારા તમામ પક્ષકારોને જણાવાયું છે કે રાષ્ટ્રીય લોક અદાલતમાં તેઓનો કેસ મૂકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભકર્તા છે અને બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે.