બૌદ્ધનગર સહિતના વિસ્તારના રહેવાસીઓએ દારૂના ત્રાસમાંથી મુક્તિ માટે કર્યું હતું દારૂબંધી યજ્ઞનું આયોજનમોરબી : દારૂના ધંધાર્થીઓથી ત્રસ્ત મોરબીના બૌદ્ધનગર સહિત ચાર સોસાયટીના રહીશોએ દારૂબંધી માટે ચાર કુંડી યજ્ઞનું આજે આયોજન કર્યું હતું. જો કે પોલીસે દારૂના ધંધાર્થીઓ સામે લાલ આંખ કરી રહીશોને ખાતરી આપતા આ યજ્ઞનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.આજે તારીખ 28 નવેમ્બર ને મંગળવારના રોજ મોરબીના બૌધ્ધનગર રોડ પર આવેલી શ્રી હરિપાર્ક સોસાયટી ખાતે દારૂનું વેચાણ બંધ થાય તેવા હેતુ સાથે ગાંધી સોસાયટી, જીવરાજ પાર્ક, શ્રી હરિપાર્ક સોસાયટી અને બૌધ્ધનગર સોસાયટીના રહીશોએ મળીને આ યજ્ઞ કરવાનું આયોજન કર્યું હતું. જોકે પોલીસે દારૂબંધી કરવા માટે ખાતરી આપતા આજનો યજ્ઞનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું રહીશોએ જણાવ્યું હતું. સાથે જ જો 15 દિવસમાં સંપૂર્ણ પણે દારૂબંધી નહીં થાય તો આગામી દિવસોમાં ફરી આ યજ્ઞનો કાર્યક્રમ કરવામાં આવશે તેમ રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે.