પગરખાકાંડ કેસમાં વિભૂતિ, ઓમ અને રાજ હાજર થઈ ગયા : આરોપીઓ આટલા દિવસથી ફરાર હતા ત્યારે ક્યાં રહ્યા હતા તે અંગે પોલીસનું મૌનમોરબી : મોરબીમાં બાકી નીકળતા પગાર મામલે અનુસૂચિત જાતિ સમાજના યુવાનને ઢોર માર મારી બર્બરતા પૂર્વક મોઢામાં ખાસડું લેવડાવવા પ્રકરણમાં વિભૂતિ સીતાપરા ઉર્ફે રાણીબા સહિતના ત્રણ આરોપીઓ સામેથી હાજર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરી છે. હવે પોલીસ આ આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવાની છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની રાણીબા ઇન્ડસ્ટ્રી એન્ડ એક્સપોર્ટ નામની પેઢીમાં કામ કરતા નિલેશભાઈ દલસાણીયા નામના યુવકને બાકી નીકળતા પગારના નાણાં મામલે ઓફિસે બોલાવ્યા બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તેના ભાઈ ઓમ પટેલ, રાજ પટેલ સહિતના આરોપીઓએ ચામડાના પટ્ટાથી માર મારી મોઢામાં પગરખું પકડાવવાના ધૃણાસ્પદ બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલ રાણીબા ઉર્ફે વિભૂતિ અને તેના ભાઈ સહીત ત્રણ આરોપીઓ આજે પોલીસ સમક્ષ હાજર થયા હતા.આ મામલે ડીવાયએસપી પી.એ. ઝાલાએ જણાવ્યું કે અગાઉ મયુર ઉર્ફે દેવો દિલીપભાઈ ક્લોતરા નામના આરોપી તપાસનીસ અધિકારી સમક્ષ હાજર થયા હતા. જ્યારે બીજા આરોપીઓ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ સીતાપરા, રાજ પડસાળા હાજર થતા અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ ડીવાયએસપીને આરોપીઓ ફરાર હતા ત્યારે ક્યાં રહ્યા હતા તે વિશે પૂછતાં તેઓએ તપાસ જારી હોવાનું જણાવ્યું હતું.