મોરબી જિલ્લામાં અનુસુચિત જાતિ સમાજ ઉપર અત્યાચાર વધતાં મંગળવારે ગૃહમંત્રીનું રાજીનામાની માંગ સાથે લડત શરૂ કરવાનું એલાન મોરબી : મોરબીમાં અનુસુચિત જાતિ સમાજના યુવાન સાથે અત્યાચાર મામલે મોરબી જિલ્લા અનુસુચિત જાતિ સમાજ રોષે ભરાયો છે ત્યારે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખે પોલીસ નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવી જિલ્લા પોલીસ વડાની બદલી કરવાની માંગ કરી રાજ્યમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામાં માટે આગામી મંગળવારથી મોરબી ખાતે આંદોલન શરૂ કરવાનું એલાન કર્યું હતું.પોતાના હક્કનો પગાર માંગવા ગયેલા અનુસૂચિત જાતિ સમાજના યુવાનને ઢોર માર મારી મોઢામાં પગરખું લેવડાવનાર કહેવાતી રાણીબા વિરુદ્ધ રોષ ચરમસીમાએ છે ત્યારે આજે મોરબી જિલ્લા અનુસુચિત જાતિ સમાજ દ્વારા રાજ્યપાલને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં ઘણા સમયથી અનુસુચિત જાતિ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. ફરિયાદમાં પણ આરોપીઓની મદદ થાય તેવી કામગીરી જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી રહી છે. જેથી અનુસુચિત જાતિના લોકોમાં ડર અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી પરિસ્થિતિને લઈને મોરબી જિલ્લા પોલીસ વડાની બદલી કરવાની માંગ મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ બાબુભાઇ પરમાર દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવી હતી સાથે જ ડીવાયએસપી પીડિતની મુલાકાતે ન આવ્યા હોય તપાસ અન્ય અધિકારીને સોંપવા માંગ કરી હતી.બીજી તરફ મોરબી અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી રાજેશભાઈ કલ્યાણજીભાઇ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં રોષભેર જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં અનુસૂચિત જાતિ સમાજ સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યા છે અને અત્યાચારનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે તેવી માંગ સાથે આગામી મંગળવારથી મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે જનઆંદોલન શરૂ કરવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.