મુખ્યમંત્રીની અધ્યક્ષતામા ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયોમોરબી : રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ વિભાગમાં છેલ્લા પાંચ અને દસ વર્ષથી ફરજ બજાવતા ટીઆરબી જવાનોને છુટા કરવાના નિર્ણયનો રાજ્યભરમાંથી વિરોધ થતા ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને પ્રિન્સિપાલ સેક્રેટરી કે. કૈલાશનાથન હાજરમાં મળેલી બેઠકમાં ટીઆરબી જવાનોને છુટા કરવાનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો હતો. રાજ્યના ડીજીપીએ છેલ્લા પાંચથી દસ વર્ષથી ટ્રાફિક નિયમન માટે ફરજ બજાવતા ટીઆરબી જવાનોને છૂટા કરવાનો આદેશ કર્યો હતો. જેને લઈને રોષે ભરાયેલા ટીઆરબી જવાનો સામુહિક રજા પર ઉતરી ગયા હતા. જેને કારણે રાજ્યના શહેરમાં મોટાભાગના જંક્શનો પર પીક અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.ટીઆરબી જવાનો દ્વારા અનેક જિલ્લા કલેક્ટરોને આવેદન આપવામાં આવ્યા હતા. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ડીજીપી દ્વારા ટીઆરબી જવાનોને છૂટા કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે અયોગ્ય છે. પોતાની જવાનીના 10 વર્ષ જેમણે ગુજરાત પબ્લિકની સેવામાં વાપરી દીધા હોય, તેવા લોકોને એક આદેશથી ફરજ મુક્ત કરવા યોગ્ય નથી. આ બાબતે યોગ્ય વિચાર કરવો જોઈએ. આ સાથે જ ટીઆરબી જવાનોએ ચિમકી ઉચ્ચારી હતી કે, આવનારા દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે, તો જલદ આંદોલન કરવામાં આવશે.વધુમાં ડીજીપી દ્વારા લેવાયેલ નિર્ણયને કારણે ગુજરાતના 9 હજાર ટ્રાફિક બ્રિગેડના જવાનો પૈકી 1100 જવાનોને 10 વર્ષ પૂરા થવા પર આગામી 30 નવેમ્બરે છૂટા કરવામાં આવવાના હતા. જ્યારે 3000 જવાનોને 31 ડિસેમ્બરે છૂટા કરવામાં આવનાર હતા. કારણ કે તેમણે ફરજમાં 5 વર્ષથી વધુ થઈ ગયા છે. આ સિવાય અન્ય 2300 ટીઆરબી જવાનોને 3 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો હોવાથી તેમને 31 માર્ચ, 2024માં છૂટા કરવાનો હુકમ કરાયો હતો.