પોલીસ ટિમો દ્વારા રાણીબા ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં સર્ચ ઓપરેશન, આરોપીઓ ત્યાંથી હાથ ન લાગ્યામોરબી : મોરબીમાં અનુ. જાતિના યુવાન ઉપર રાક્ષસથી પણ બદતર જુલમ આચરવાની ઘટનામાં પોલીસે રાણીબાના નામે ઓળખાતી યુવતી સહિતના આરોપીઓને શોધવા તેઓની ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર રહ્યા છે. બીજી તરફ આજે પાંચેય આરોપીઓએ પોલીસ પકડથી બચવા નામદાર મોરબી કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી મૂકી દીધી છે જેની આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા ઉ.વ.21 જે રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં માર્કેટિંગની નોકરી કરતા હતા. તેઓએ બાકી પગાર માંગતા રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત સહિતના દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મૂંઢ માર મારવામાં આવ્યો હતો. તેમજ આરોપી વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ મોઢામાં લેવડાવી જાતિ પ્રત્યે અપમાનિત કરી તમારા જેવા લોકોને કામે કોણ રાખે તેવું કહી આરોપી રાજ પટેલે બળજબરીપૂર્વક માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો હોવાનું જણાવતો વીડિયો ઉતારી નિલેશભાઈને જેમફવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મુદ્દે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકોએ એકત્ર થઈ કલેકટરને આવેદન આપી આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જેને પગલે રાણીબા ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં પણ સર્ચ ચલાવવામાં આવ્યું હતું. પરંતુ આરોપીઓ ત્યાંથી મળી આવ્યા ન હતા. બીજી તરફ પાંચ આરોપીઓએ ધરપકડથી બચવા માટે પોતાના વકીલ મારફતે નામદાર મોરબી કોર્ટમાં આગોતરા અરજી મૂકી હોવાથી આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.