અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટિમ ઈન્ડિયા 240 રનમાં ઓલઆઉટ, 241 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયન બેટર્સે 43 ઓવરમાં જ હાંસલ કરી લીધો મોરબી : મોરબી સહિત આખા દેશમાં વર્લ્ડ કપ ફીવર આજે છવાયો હતો. પણ કમનસીબે ભારતને ઓડીઆઈ વર્લ્ડ કપના ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ જોરદાર ગેમ રમીને બાજી મારી છે. જેને પગલે ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ નિરાશામાં ગરક થઈ ગયા છે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલનો મેચ રમાયો હતો. આ મેચમાં ફૂલ ઝાકમઝોળ જોવા મળી હતી. ઉપરાંત સેંકડો વીઆઇપીઓની હાજરી પણ રહી હતી. વર્લ્ડ કપ 2023ની આ ફાઇનલ મેચમાં ભારતને 6 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ઓડીઆઈ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ હારે ભારતીય ચાહકોને 2003ના વર્લ્ડ કપની ફાઈનલની યાદ અપાવી દીધી. 20 વર્ષ પહેલા જોહાનિસબર્ગમાં કાંગારૂઓએ ભારતને 125 રનથી હરાવ્યું હતું.ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 241 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયન બેટર્સે 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટ્રેવિસ હેડે 137 રનની ઈનિંગ રમી હતી, જ્યારે માર્નસ લાબુશેન 58 રને નોટ આઉટ રહ્યો હતો. આ પહેલા મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી જ્યારે કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુડને 2-2 વિકેટ મળી હતી.