આજે જલારામ જયંતી : તેઓ ૧૮ વર્ષની ઉંમરે ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા હતામોરબી : જલારામ બાપાનો જન્મ તા. ૦૪ નવેમ્બર, ૧૭૯૯ના રોજ થયો હતો. તેમજ તેમનું અવસાન તા. ૨૩ ફેબ્રુઆરી, ૧૮૮૧ના રોજ થયું હતું. તેઓ સંત જલારામ બાપા તરીકે ઓળખાય છે. તેઓ ગુજરાતમાં થઈ ગયેલા એક હિંદુ સંત છે. જલારામ બાપાનો જન્મ દિવસ કે કારતક સુદ સાતમના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામના ભક્તો પ્રસાદ વહેચે છે. આ દિવસે વીરપુરમાં જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી-ગાંઠીયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો થાય છે.સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘરે રહેવા સૂચવ્યું.૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા. આથી, તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા.તેઓ ૧૮ વર્ષની ઉંમરે ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને ગુરુ મંત્ર, માળા અને શ્રીરામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે 'સદાવ્રત'ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના દરરોજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જલારામ બાપાએ શરુ કરેલા 'સદાવ્રત'માં દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા આજપર્યંત જળવાઈ છે.