કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાતા ટંકારા પોલીસ અને આગેવાનોએ દોડી જઈ મામલો થાળે પાડ્યોટંકારા : મોરબી રાજકોટ રોડ વારંવાર અકસ્માતથી રક્તરંજિત થતો હોય અને આજે વધુ એક અકસ્માત થતા ટંકારા તાલુકાના મિતાણા ગામના લોકો વિફર્યા હતા. રોષે ભરાયેલા લોકોએ મોરબી રાજકોટ રોડ પર ચક્કાજામ કરી દેતા હજારો વાહનોની અવર-જવર ધરાવતા મોરબી રાજકોટ રોડ ઉપર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. આથી ટંકારા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.અકસ્માત ઝોન બની ગયેલા મોરબી રાજકોટ રોડ ઉપર ટંકારાના મિતાણાં ગામ પાસે આજે વધુ એક અકસ્માત થતા આ જગ્યાએ સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે સ્થાનિક લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને અકસ્માતથી રોષે ભરાયેલા લોકોએ મોરબી રાજકોટ રોડ પર ચક્કાજામ સર્જીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ચક્કાજામને પગલે હજારો વાહનોની અવરજવર ધરાવતા મોરબી રાજકોટ રોડ ઉપર અડધી કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને વાહનોની મોટી કતારો લાગી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ટંકારા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને ચક્કાજામ કરતા લોકોને સમજાવી અને માર્ગ તેમજ મકાન વિભાગને મિતાણાં પાસે સ્પીડ બ્રેકર બનાવાની સૂચના આપી વાહન વ્યવહાર પૂર્વવર્ત કર્યો હતો.