હળવદ : ગત તારીખ 15 નવેમ્બરના રોજ હળવદના નવા ઈસનપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિધ્ધનાથ યુવા મિત્ર મંડળ નવા ઈસનપુર દ્વારા છઠ્ઠા ઈનામ વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં હળવદ સ્વામિનારાયણ મંદિરના શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી અને હરીચરણ સ્વામી તેમજ શ્રીસમસ્ત સતવારા મહામંડળના પ્રમુખ શંકરભાઈ દલવાડી, સમસ્ત સતવારા ઝાલાવાડ બોર્ડિંગ જોરાવરનગરના પ્રમુખ કાંતિભાઈ માસ્તર, સમસ્ત સતવારા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ નંદકિશોરભાઈ કણઝરીયા, સતવારા બાળ યુવા કેળવણી મંડળ હળવદના પ્રમુખ ઉપેન્દ્રભાઈ મકવાણા, સમસ્ત સતવારા એજ્યુકેશન ટ્રસ્ટ હળવદના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, સિધ્ધનાથ યુવા મિત્ર મંડળના પ્રમુખ એડવોકેટ લલિતભાઈ સોનગ્રા દ્વારા દિપપ્રાગટ્ય કરી આ ઇનામ વિતરણ સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું સ્વાગત ગીત તેમજ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગામની શાળામાં અભ્યાસ કરતા આંગણવાડી અને ધોરણ 1 થી 10 સુધી તેમજ બહાર ગામ અભ્યાસ કરવા ગયેલા ધોરણ 6 થી 12 સુધીના બાળકો તેમજ કોલેજ, માસ્ટર ડિગ્રી, છેલ્લા 1 વર્ષમાં સરકારી નોકરીમાં જોડાનાર યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. માત્ર 4 વર્ષની દીકરી ચેષ્ટા દ્વારા જનમંગલ સ્ત્રોતનું ગાન કરવામાં આવ્યું હતું. તેમજ દાતાઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ એડવોકેટ લલિત સોનગ્રા, ઉપપ્રમુખ વિપુલભાઈ કણઝરીયા, વિજયભાઈ પરમાર તેમજ સમગ્ર ટીમ તેમજ દાતાઓએ જહેમત ઉઠાવી હતી અને ગ્રામજનોએ કાર્યક્રમમાં હાજર રહી આ ઈનામ વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ પરમાર, જીતેશભાઈ પરમાર, દિલીપભાઈ સોનગ્રા અને પ્રકાશભાઈ જાદવે કર્યું હતું.