મોરબી : મોરબી 181 અભયમની ટીમ દ્વારા પતિ દ્વારા તરછોડાયેલી મહિલા અને એક માસના બાળકને આશરો આપવામાં આવ્યો હતો.ગઇકાલે તારીખ 11 નવેમ્બરના રોજ એક વ્યક્તિ દ્વારા 181માં કોલ કરીને પીડિત મહિલા અને એક માસના બાળકને તેમના પતિ રસ્તામાં મૂકીને જતા રહેલ હોય મદદની જરૂર હોવાની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક 181 મોરબી લોકેશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન તેમજ કોન્સ્ટેબલ ભારતીબેન, પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી તેમનું કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેમને એક માસનું બાળક છે અને તે મૂળ બિહારના વતની છે અને પાંચ દિવસ પહેલાં મોરબીમાં કંપનીમાં કામ કરવા માટે આવ્યા છે. પરંતુ મહિલાના પતિ મહિલા અને બાળકને રસ્તામાં મૂકી જતા રહ્યા છે. તેમના પતિનો ફોન પણ બંધ આવી રહ્યો હોય અને મહિલાને તેઓ ક્યાં રહે છે તે ખબર ના હોવાથી મોરબી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવ્યો હતો. આ મદદ બદલ મહિલાએ મોરબી 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.