માનવીમાં રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે દીવા પ્રગટાવાય છેशुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥અર્થાત્ સૌભાગ્ય, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે છે, તેવા દીવાના પ્રકાશને વંદન, જે પ્રતિકૂળ લાગણીઓનો નાશ કરે છે, એ દીવાના પ્રકાશને વંદન.ગુજરાતી પંચાંગ પ્રમાણે આસો માસના વદ પક્ષની અમાસે આવતો દિવાળીનો તહેવાર 'પ્રકાશના પર્વ' તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, 'મનના પ્રકાશની જાગૃતિ'. સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે, તેવી વિચારધારા હિન્દુ તત્વ જ્ઞાનનું કેન્દ્ર છે.આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ, તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશના ઉદયને ઉજવવાનો તહેવાર છે, કે જે જ્ઞાનને જાણવાથી અંધકાર પ્રકાશમય બને છે. એટલે કે તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે, વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિનું ઉચ્ચ જ્ઞાન આવે છે.દીપાવલીનો અર્થ થાય છે દીવડાઓની હારમાળા. સંસ્કૃતમાં દીપ એટલે દીવડો અને આવલી એટલે હારમાળા. જેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવાય છે. દિવાળી ફટાકડા, ફૂલો, મિઠાઈઓ, દીવાઓથી ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે - આંતરિક પ્રકાશનો આનંદ લેવો.દિવાળીની ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે. હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. દિવાળી પહેલા ઘરની સફાઈ કરી તેને શણગારવામાં આવે છે. દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ છે. ફટાકડા, નવા કપડાં અને મિઠાઈઓના કારણે દિવાળી એ બાળકોનો પ્રિય તહેવાર છે અને આ તહેવારની તેઓ સમગ્ર વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે.