મોરબી : નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 અન્વયે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી સરકાર દ્વારા અનેકવિધ પહેલ કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબીના દરબારગઢ ખાતે આવેલી તાલુકા શાળા નંબર-2માં પ્રકૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.તાલુકા શાળામાં મોરબીની ધોરણ 8ની વિદ્યાર્થિનીઓ માટે મે. નાયબ વનસંરક્ષક ચિરાગ અમીનના માર્ગદર્શન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર નરોડિયા સાહેબ (R.F.O) ની સૂચના મુજબ પ્રકૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રામપરા રાઉન્ડ ફોરેસ્ટર જે. કે. ઝાલા તેમજ વનરક્ષક વી. જે. ગોહિલ દ્વારા વિદ્યાર્થિનીઓને રામપરામાં ઉગતી જંગલની વિવિધ વનસ્પતિઓ, વિવિધ પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓની સમજ આપવામાં આવી હતી. વહેલી સવારે જંગલ ટ્રેઈલ કરાવી પ્રાણીઓના પંજાના નિશાનની સમજૂતી આપવામાં આવી હતી. રાત્રે પ્રોજેક્ટર પર ફિલ્મ પ્રદર્શન દ્વારા સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓને પોતાના જન્મદિવસની ઉજવણીમાં એક એક વૃક્ષ વાવવા પ્રેરણા પૂરી પાડી પ્રકૃતિના ખોળામાં વિદ્યાર્થિનીઓએ અનુભવજન્ય જ્ઞાન મેળવી અનેરો આનંદ મેળવ્યો હતો.