ફેકટરી શરૂ કર્યાને અંદાજે ત્રણ જ દિવસ થયા ત્યાં એલસીબીને ગંધ આવી જતા ટિમ ત્રાટકી, છેલ્લા અઢી કલાકથી મુદામાલની ગણતરી ચાલુ મોરબી : એક તરફ ઉદ્યોગપતિઓ મેઇક ઇન મોરબીના સ્વપ્ન સાકાર કરવા કમર કસી રહ્યા છે. પણ હવે બે નંબર ધંધાર્થીઓ પણ દારૂમાં મેઇક ઇન મોરબીનું સ્વપ્ન સાકાર કરવાના પ્રયાસ કરી રહ્યા હોય તેમ મોરબી નજીક એક આખું દારૂ બનાવવાનું કારખાનું જ ખડકી નાખ્યું હતું. જો કે આ ગોરખધંધો શરૂ થયાને થોડા જ દિવસમાં આજે એલસીબીને જાણ થતાં તુરંત ત્યાં દરોડો પાડ્યો છે. સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગત અનુસાર રફાળેશ્વર જીઆઇડીસીમાં બંધ પડેલા એક કારખાનામાં બે નંબરના ધંધાર્થીઓએ નકલી વિદેશી દારૂ બનાવવાનું શરૂ કર્યું હતું. જો કે એવું જાણવા મળી રહ્યું છે કે હજુ ત્રણેક દિવસ પૂર્વે જ આ કારસ્તાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાં જ મોરબી એલસીબીને આ ગેરકાનૂની પ્રવૃત્તિની ગંધ આવી જતા તે ટિમ સાથે ત્યાં આજે સાંજે ત્રાટકી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા અઢીથી ત્રણ કલાકથી આ ગોડાઉનમાં મુદામાલની ગણતરી ચાલી રહી છે. અંદાજે 10 જેટલા શખ્સોનું આ કારસ્તાન છે. હાલ હજુ કાર્યવાહી ચાલી રહી છે. જેથી એલસીબી દ્વારા હજુ સુધી સત્તાવાર કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.( વધુ વિગતો મેળવાઈ રહી છે)