દિવાળી વિશેષ : વાઘ બારસે માતા સરસ્વતી અને ગૌમાતાના પૂજનનો મહિમા

- text


વાક્ બારસ, વસુ બારસ, ગૌવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખાય છે વાઘ બારસ

આદિવાસી લોકો જાનમાલની સલામતી માટે વાઘ દેવની પૂજા આ દિવસે કરતા હોય છે

મોરબી : વાઘ બારસ એ દિવાળીનાં પર્વનો બીજો શુભ દિવસ છે. જો કે આજે રમા એકાદશી અને વાઘ બારસ એક જ દિવસે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે. એ રીતે ક્યારેક તેને દિવાળીનો પહેલો દિવસ પણ ગણવામાં આવે છે.

વાક્ બારસ : માં સરસ્વતીનું પૂજન

વાસ્તવમાં વાઘ બારસને વાક્ બારસ કહેવાય છે. પરંતુ વાક્ શબ્દનો અપભ્રંશ થઈને વાઘ થઈ ગયો. ત્યારથી આ તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાય છે. વાક્ એટલે વાણી થાય અને વાણીની દેવી માતા સરસ્વતી છે. આપણી વાચા અને ભાષા સારી રહે તથા આપણી વાણીથી કોઈની લાગણી ન દુભાય તે માટે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આમ, ધનતેરસના દિવસે માં લક્ષ્મીની પૂજા કરતા પહેલા માં સરસ્વતીની પૂજા અવશ્ય કરવામાં આવે છે.

વસુ બારસ : ગૌમાતાનું પૂજન

વાઘ બારસનું અન્ય એક પૌરાણીક નામ “વસુ બારસ” છે. ‘વસુ’ એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. વાઘ બારસ એ ગાયની પૂજાનું મહત્વ વધારે છે. આજના દિવસે ગાયને શણગાર કરી, ગાયને ઘાસ નાખીને તેની પ્રદક્ષિણા ફરવી જોઈએ. કહેવાય છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ પછી વાઘ બારસના દિવસે યશોદા માતાએ ભગવાનને ગાયના દર્શન કરાવેલા હતા.

- text

ગૌવત્સ દ્વાદશી : ગાય અને વાછરડાંની પૂજા

વાઘ બારસને ગૌવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ‘ગૌ’ શબ્દ ગાયને સૂચવે છે, જ્યારે ‘વત્સ’ શબ્દ વાછરડાને સૂચવે છે. ગૌવત્સ દ્વાદશીના દિવસે ગાય માતા અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં હોવાનું મનાય છે. એમ પણ કહેવાય છે કે એક કામધેનુ ગાય નંદાએ સમુદ્ર મંથન દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી અને ત્યારથી લોકો ગાયની પૂજા કરવા લાગ્યા હતા.

વાઘ બારસ : વાઘ દેવની પૂજા

ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘ દેવની પૂજા આ દિવસે કરતા હોય છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે, એ માર્ગ આસાન નથી એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘ બારસ.

હિસાબોનું સરવૈયું

વાઘ બારસમાં વાઘ શબ્દ નાણાં સાથે સંકળાયેલી જવાબદારીઓની ચુકવણીનો સંદર્ભ આપે છે, જ્યારે ‘બારસ’ શબ્દ નાણાકીય વર્ષનો સંદર્ભ આપે છે. પરિણામે, વેપારી લોકો આ દિવસે તેમના હિસાબનું સરવૈયું કરે છે અને લાભ પંચમીના દિવસ સુધી તેમના ખાતામાં કોઈ નવી એન્ટ્રી કરતા નથી.

- text