ટૂંકા લગ્ન જીવનમા જ કરિયાવર બાબતે સાસરિયાઓએ ત્રાસ આપતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ લીધો હતોમોરબી : મોરબીના વિશિપરા રોહિદાસપરામાં રહેતી પરિણીતાએ ટૂંકા લગ્નજીવનમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવ અંગે મૃતક પરિણીતાના માતાએ કરિયાવર બાબતે ત્રાસ આપી પોતાની દીકરીને મરવા મજબુર કરનાર પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રોહિદાસપરામા રહેતા મિતલબેન મનસુખભાઇ ચૌહાણ નામના પરિણીતાએ ટૂંકા લગ્નજીવનમાં જ ગત તા.1 નવેમ્બરના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મિતલબેનના માતા ગીતાબેન કિશોરભાઇ પરમાર રહે.મકનસર, મૂળ રહે. ધ્રાંગધ્રા વાળાઓએ પતિ મનસુખભાઇ ઉર્ફે જીગો દેવજીભાઈ ચૌહાણ, સાસુ કાંતાબેન દેવજીભાઇ ચૌહાણ, નણંદ અરુણાબેન ઉર્ફે પપ્પુ દેવજીભાઈ ચૌહાણ અને જેઠ ગોપાલભાઈ દેવજીભાઈ ચૌહાણ વિરુદ્ધ પોતાની દીકરીને ઘરકામ બાબતે તેમજ ઓછો કરીયાવાર લાવી છો કહી મહેણાં ટોણા મારી મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવતા સીટી બી ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.