મોરબી : આજથી દિવાળીના તહેવારો શરૂ થઈ રહ્યા છે. ત્યારે આજે રમા એકાદશી અને વાઘ બારસ બંને સાથે છે. આમ, આજે વ્રત કરીને ઉપવાસ રહેવાથી રમા એકાદશી અને વાઘ બારસ બન્ને તહેવારોનું ફળ મળે છે. રમા એકાદશી એટલે ગુજરાતી પંચાંગ મુજબ દિવાળી પહેલા આવતી વર્ષની છેલ્લી એકાદશી. આ દિવસે શ્રી વિષ્ણુ અને શ્રી લક્ષ્મીની પૂજા કરવાનું મહત્વ છે.કહેવાય છે કે રમા એકાદશીના દિવસે અયોધ્યાવાસીઓને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના પરત આવવાના સમાચાર મળેલા. આથી, આ દિવસથી રંગોળી કરવાની શરૂઆત થયેલી. આમ, લોકો હજારો વર્ષોથી રમા એકાદશીના દિવસથી બેસતા વર્ષ સુધી રંગોળી કરે છે.રમા એકાદશીની વ્રત કથાપુરાણો અનુસાર મુચુકુંદ નામના પ્રસિદ્ધ રાજાની દેવતાઓ સાથે પાક્કી મિત્રતા હતી. તે સત્યવાદી, વિષ્ણુભક્ત અને ભજન કરનારો હતો. કુશળતાથી રાજ્યનું સંચાલન કરતો હતો. એકવાર તેની ઘરે કન્યાનો જન્મ થયો. ત્યાંની શ્રેષ્ઠ નદી ચંદ્રભાગાના નામ પર એ કન્યાનું નામ 'ચંદ્રભાગા' રાખવામાં આવ્યું.મહારાજ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે તેનો વિવાહ થયો. એક દિવસ શોભન પોતાના સસરા મુચુકુંદજીના ઘરે આવ્યો. સંયોગથી એ દિવસે અગિયારસ હતી. ચંદ્રભાગાએ વિચાર્યુ કે મારા પતિ નબળા છે તે ભૂખ સહન કરી શકતા નથી. હવે શું થશે? કારણ કે અહીં મારા પિતાજીના શાસનના નિયમ પણ કઠોર છે. દસમીના દિવસે નગારુ વગાડીને એકાદશીએ વ્રતની સૂચના આપવામાં આવે છે કે અગિયારસના દિવસે કોઈએ પણ અન્ન-ભોજન ખાવાનું નથી. તમામ પ્રજાએ અનિવાર્યરૂપે એકાદશી વ્રત કરવુ પડશે.ઢંઢેરો સાભંળીને શોભને પોતાની પત્નીને કહ્યુ, 'પ્રિયે હવે આપણે શું કરવુ જોઈએ? હવે આપણે એવો કોઈ ઉપાય કરવો જોઈએ જેનાથી મારા પ્રાણની રક્ષા થઈ જાય અને રાજાની આજ્ઞાનુ પાલન પણ થઈ જાય.ચંદ્રભાગાએ કહ્યું, 'પતિદેવ, આજે મારા પિતાજીના પરિવારમાં માત્ર આખા રાજ્યના લોકો જ નહીં, હાથી, ઘોડા, ગાય વગેરે પશુ પણ અન્નનું ભોજન નહીં કરે. આવી અવસ્થામાં તમે કેવી રીતે ભોજન કરશો? તેથી, જો ભોજન કરવું હોય તો તમે ઘરે જઈને જ કરી શકો છો. તમે જ બતાવો કે હવે શું કરવામાં આવે?'શોભને કહ્યું, 'પ્રિયે, તમે ઠીક કહ્યું છે પણ મને ઈચ્છા છે કે હું પણ વ્રત કરું. હવે ભાગ્ય પર છોડી દો, જે થશે તે જોઈ લેવાશે.' શોભને પણ ઉપવાસ કર્યો પરંતુ ભૂખ-તરસને લીધે તેનું મૃત્યુ થયું. આથી, ચંદ્રભાગા સતી થવા તૈયાર થઇ પરંતુ પિતાએ તેમ કરવા ના કહી. આ વ્રતના પ્રભાવથી શોભન મંદરાચળ પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો. તેનો વૈભવ ઇન્દ્રના જેવો જ હતો. મુનિવર્યની સલાહથી ચંદ્રભાગાએ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું અને વ્રતના પ્રભાવથી તેને દૈવી સુખ પ્રાપ્ત થયું હતું અને દિવ્ય દેહે શોભનનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું હતું.કહેવાનું તાત્પર્ય એ છે કે, રમા એટલે સ્ત્રી, એટલે કે પોતાની પત્નીના કહેવાથી આસો વદ એકાદશી એ મુચુકુંદ રાજાએ વિધિપૂર્વક કરી હતી. રાજા તથા રાણી બંને આ લોકમાં સર્વ પ્રકારનાં સુખ ભોગવી વિષ્ણુલોકમાં રમમાણ કરવા ગયાં હતાં, એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું.