જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ ખાનગી શાળાઓને જાહેર રજાના દિવસે શાળા બંધ રાખવાનું ફરમાન કર્યુંમોરબી : મોરબી જિલ્લાના હળવદ તાલુકાની ત્રણ ખાનગી શાળાએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે જાહેર રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાંધિકારીએ સરકારીની નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ ખાનગી શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારી છે.મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અંબારીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં 31 ઓકટેબરે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપી લોહ પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી હતી. તેથી સરકારના નીતિ નિયમો મુજબ આ દિવસે વર્ષોથી જાહેર રજા રાખવાની હોય છે. પણ હળવદની ત્રણ ખાનગી શાળાઓ સરદાર પટેલની જન્મજયંતિએ જાહેર રજા રાખવાનો બદલે શાળાઓ ચાલુ રાખી હતી અને સરકારના નીતિ નિયમોનો ભંગ કર્યો હતો. આથી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખનાર હળવદની ત્રણ શાળાઓમાં સદભાવના શૈક્ષણિક સંકુલ, સાંદિપની ઈંગ્લીશ સ્કુલ અને વિવેકનંદ વિદ્યાલયને કારણદર્શક નોટિસ ફટકારી છે અને આ ખાનગી શાળાઓના સંચાલકોને જાહેર રજાના દિવસે શાળા ચાલુ કેમ રાખી તેનો યોગ્ય ખુલાસો સાત દિવસમાં આપવાની સૂચના આપી છે. આ ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કહ્યું હતું કે, હવે પછી કોઈપણ જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખશે તો તેને કોઈ કાળે બક્ષવામાં આવશે નહિ આથી જિલ્લાની તમામ ખાનગી શાળાઓને જાહેર રજાના દિવસે શાળા બંધ રાખવાની તાકીદ કરી છે.