મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક ડમ્પર ચાલકે સાઈડમાં જોયા વગર અચાનક ડમ્પર વળાંક વાળતા સાઈડમાં જઈ રહેલા બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા મોરબીના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જયારે બાઈક ચાલકને ઈજાઓ પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જેતપર રોડ ઉપર સીરામીક ફેકટરીમાં કામે જતા બે બાઈક સવાર યુવાનોને ટ્રક ડમ્પર નંબર જીજે-12-એઝેડ-7894 વાળાએ ખાલી સાઈડમાં જોયા વગર અચાનક વાળી લેતા બાઈક ચાલક પ્રકાશભાઇ જેસીગભાઇ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે ચંદુલાલ ગોવિંદભાઇ મુછડીયા, ઉ.40, રહે-ઇન્દીરાનગર માળીયા ફાટક પાસે, મોરબી વાળા ટ્રક ડમ્પરના ટાયર નીચે કચડાઈ જતા મૃત્યુ નીપજ્યુ હતું. અકસ્માતના આ બનાવ બાદ ટ્રક ડમ્પર ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે મૃતકના ભાઈ હમીરભાઇ ગોવિંદભાઇ મુછડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.